પાલિકા પીપીપી હેઠળ ગોમતી ઘાટથી લઈને ભડકેશ્વર મહાદેવ મંદિર સુધી સમુદ્ર તટને સમાંતર મોનો રેલનું નિર્માણ કરશે
દ્વારકા શહેરના વિશ્વ પ્રસિધ્ધ જગત મંદિરમાં દર્શનાર્થે પધારતા યાત્રાળુઓ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી ધન્ય થાય છે ત્યારબાદ જુના ગોમતી ઘાટ તરફ પદયાત્રા કરી સંગમ નારાયણ સુધી જતા હોય છે અંદાજીત ૩૩૦ મીટરનું અંતર પસાર કર્યા બાદ સમુદ્ર નારાયણના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. પદયાત્રાનું અંતર વધી જતા યાત્રાળુઓ આગળ જવાનું ઓછું પસંદ કરે છે. વળી યાત્રાળુઓના વાહનો મુખ્ય પાર્કિંગમાં મૂકેલા હોવાથી વાહનોની મદદથી ગાયત્રી મંદિર સુધી જવું શક્ય નથી હોતું. જેથી વારંવાર મુખ્ય રસ્તાઓ પર આવી ફરી થી લાઇટ હાઉસ કે દરીયા તરફ કે શ્રેષ્ઠ નૈસર્ગિક સ્થળ પર જવું પડે છે. જેથી સંગમ નારાયણ થી ગાયત્રી મંદિર સુધી અને તે પછી લાઇટ હાઉસ પાછળથી ભડકેશ્વર મહાદેવ સુધી સમુદ્ર અને સમાંતર સર્કિટ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન નગર પાલિકાએ કર્યું છે. તેથી સંગમ નારાયણ થી ભડકેશ્વર સુધી સમુદ્ર સમાંતર કોઈ વાહનવ્યવહારની સુવિધા સ્થાપિત કરવામાં આવે તો તે પ્રવાસીઓ માટે આ સર્કિટ અસ્મરણીય બની રહે. આ પ્રકારની સુવિધાને કારણે તમામ વયજૂથના અને તમામ ઋતુમાં પ્રવાસીઓ જગત મંદિર થી સુરત સુધી નો દિવ્ય તથા ભવ્ય યાત્રા સુગમતાથી કરી શકાય આ માટે પરંપરાગત વાહન વ્યવહારના સ્થળે મોનોરેલ અથવા તો એક પ્રકારની ઉચ્ચતર ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. પ્રદૂષણ અને ઘોંઘાટ રહિત સુરક્ષિત અને સલામત અને અન્ય કોઇપણ સ્થળે તેનો અનુભવ ન કર્યો હોય તેવી મોનોરેલ જેવી ટેકનોલોજી પસંદગીયુક્ત ગણી શકાય. વઘારમાં વિરાટ મહાસાગરનું દર્શન જીવનભરનું સંભારણું બની રહે તે માટે દ્વારકા નગરપાલિકા દ્વારા સંગમ નારાયણ થી ભડકેશ્વર સુધી સમુદ્ર અને સમાંતર મોનો રેલ પ્રોજેક્ટ નાખવામાં આવશે. જેથી બહારથી પધારતા યાત્રિકોને ભગવાન દ્વારીકાધીશ ના દર્શન સાથે નો આ રેલ સફર કાયમી સંભારણુ બનશે. આ પ્રોજેક્ટ પીપીપી એટલે કે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ થી કરવામાં આવનાર છે. જેના માટે દ્વારકા નગરપાલિકા દ્વારા જમીન ફાળવવામાં આવશે. તથા તે માટેના પ્રોજેકટ અંગે વિચારણા કરવામાં આવશે.
આ મોનો રેલ દ્વારકાધીશ મંદિરની બાજુમાં આવેલા ગોમતીધાટના સંગમનારાયણ મંદિરથી લઇને ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ, સનસેટ પોઇન્ટ થી લઈને પ્રખ્યાત ભડકેશ્વર મહાદેવ મંદિર સુધી સમુદ્ર ની સમાંતરે જશે. જેની સફર લોકો માટે અવિસ્મરણીય રહેશે.