સાઉદીના પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન આવતા મહિને ભારતના મહેમાન બનવાની તૈયારી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પત્રકાર જમાલ ખાશુગીની તુર્કીમાં થયેલી હત્યાના પગલે સાઉદી અરબ ચર્ચાસ્પદ બની ચુકયું છે ત્યારે દેશના સંબંધો વિશ્વ સમુદાય સાથે સુલેહભર્યા બને તે માટે કુંવર કામે લાગી ગયા છે.
એક બિઝનેસ જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સાઉદીના પાટવી કુંવર ભારત અને ચીન અને દક્ષિણ કોરીયાની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. સાઉદીના પત્રકાર જમાલ ખાશુગીનીની હત્યામાં સંડોવણીના આક્ષેપ કરી રહેલા અમેરિકા અને યુરોપ સાથે મતભેદો ધરાવતા કુંવર મોહમ્મદ બિન સલમાન દેશના સંબંધો એશિયાના દેશો સાથે વધારવા ઉત્સુક બન્યા છે.
વિશ્વનું સૌથી મોટુ તેલ નિકાસકાર દેશ સાઉદી અરબ ભારત સાથે ધનિષ્ઠ વેપારી મિત્રતા ધરાવે છે. અમેરિકાએ જમાલ ખાસુગી પ્રકરણમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ ઈરાનના અણુકાર્યક્રમના મુદ્દે અમેરિકા સાઉદીના હરિફ ઈરાન ઉપર પ્રતિબંધની તૈયારી કરી રહ્યું છે ત્યારે સાઉદી અરબ પાસે ભારત સાથેના વ્યાપાર વધારવાની મોટી તક ઉભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાઉદી અરબના પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાનએ ધનિષ્ઠ મિત્રતા બાંધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત વખતે બન્ને દેશો વચ્ચે વેપાર વિસ્તરણની ઘણી બધી યોજનાઓના કરાર થયા હતા.
સાઉદીના પાટવી કુંવરની ભારતની મુલાકાત બન્ને દેશોના ઉર્જા સંબંધી વ્યવહારો અને ભારતની ઉર્જાની જરૂરીયાતોને સંતોષવી માટે ખુબ જ અગત્યની માનવામાં આવી રહી છે.