માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં રૂ. અઢી લાખ સુધીની સારવાર નિ:શુલ્ક આપવાની માર્ગ અને પરિવહન મંત્રાલયની યોજના
સતત વિકસતા જતા આપણા દેશ ભારતમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે સામે રોડ સહિતની માળખાકીય સુવિધાઓનો વિકાસ ઝડપભેર થતો ન હોય તથા વાહન ચાલકોની ટ્રાફિકના નિયમો અંગે જાણકારીનો અભાવ વગેરે કારણોસર દેશમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માતો થાય છે. આ માર્ગ અકસ્માતોમાં દર વર્ષે દોઢ લાખ લોકોના મૃત્યુ જયારે ત્રણ લાખ લોકોને નાની મોટી ઈજાઓ થાય છે. માર્ગ અકસ્માતાં મોટાભાગના લોકોના સારવાર ન મળવાના કારણે મૃત્યુ થતા હોવાનું બહાર આવ્યું છે. જેથી, કેન્દ્ર સરકાર દ્વારા આ મૃત્યુનું પ્રમાણ ઘટાડવા આગામી સમયમાં માર્ગ અકસ્માતમાં વગર પૈસે રૂા. અઢી લાખ સુધીની સારવાર આપવા યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે. માર્ગ અકસ્માત થતા ઈજાગ્રસ્તોને તુરંત નિ:શુલ્ક સારવાર આપવાની આ યોજના માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એકસીડેન્ટ ફંડ ઉભુ કરવાનો નિર્ણય કરાયો છે. જે માટે કેન્દ્રીય પરિવહન સચિવ દ્વારા તમામ રાજયના પરિવહન સચિવો અને વાહન વ્યવહાર કમિશનરને આ અંગેની જાણ કરવામાં આવી છે. માર્ગ અકસ્માત થયા બાદ ઈજાગ્રસ્તને બચવા માટે પ્રથમ કલાકને ગોલ્ડન અવર માનવામાં આવે છે. આ પ્રથમ કલાકમા ઈજાગ્રસ્તને તુરંત સારવાર આપવામાં આવે તો બચવાની સંભાવના મહતમ રહેલી છે. જેથી, નેશનલ હાઈવે ઓથોરીટીએ આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ ઈજાગ્રસ્તોને નિ:શુલ્ક સારવાર આપવાની પહેલ કરી હતી.
આ અંગે સરકારી તંત્રો વચ્ચે થયેલા પત્રવ્યવહારમાં જણાવ્યું છે કે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારો વ્યકિત ભારતીય હોય કે વિદેશી તમામને આ યોજનામાં આવરી લઈને અઢી લાખ રૂા. સુધીની તમામ સારવાર નિ:શુલ્ક આપવાની વિચારણા કરવામાં આવી છે. આ માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઈજાગ્રસ્તોને નિ:શુલ્ક સારવાર આપવા માટે ફંડ એકઠું કરવામાં આવશે. ‘હીટ એન્ડ રન’ અકસ્માતનાં કિસ્સામાં ઈજાગ્રસ્તને સારવાર માટેનું ફંડ અકસ્માત સર્જનારા વાહનનો ઈનશ્યોરન્સ લેનારી કંપની પાસેથી વસુલવામાં આવશે. જયારે જે અકસ્માત સર્જનાર વાહનનો ઈન્શ્યોરન્સ નહી હોય તેનો સારવાર ખર્ચ મોટર વ્હીકલ એકસીડન્ટ ફંડમાંથી ચૂકવવામાં આવશે.
ઉપરાંત, ઈન્શ્યોરન્સ વગનાં વાહને સર્જેલા અકસ્માતથી લોકોને થયેલી ઈજાની સારવાર ખર્ચે વાહન માલીકે ભોગવવાનો રહેશે હાલમા દેશનાં ૩૬માંથી ૩૨ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ કર્યો છે. અને દેશભરમાં ૧૩ કરોડ પરિવારો તેનો લાભ લઈ રહ્યા છે. માર્ગ અકસ્માત થાય તેની નજીકની હોસ્પિટલમાં તુરંત ઈજાગ્રસ્તને નિ:શુલ્ક સારવાર આપવાનાં પાછળનો ઉદેશ્ય ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તનો જીવ બચાવવાનો છે. એ ઈજાગ્રસ્ત લોકોને જયા તુરંત સારવાર આપવામાં આવી હોય ત્યાં દર્દીની તબીયત સ્થિર થયા બાદ આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર આપતી હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર આપવાનું રહેશે તેમ સુત્રોએ ઉમેર્યું હતુ,.