લીંબડી તાલુકાના નટવરગઢ ગામે શૌચાલય કૌભાંડ બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે. શૌચાલય બનાવ્યા વગર પૈસા લેનારા 6 લાભાર્થીને ચૂકવેલી રકમ સંસ્થા પાસેથી પરત લેવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં યોગ્ય તપાસ નહીં કરનારા 2 કો-ઓર્ડિનેટરની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે શૌચાલય કૌભાંડ અંગે જે-તે સમયના તલાટી સામે તપાસના આદેશ અપાયા છે.
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે રહેતા વિનુભાઈ મેણિયાએ ગામના 15 શૌચાલય બનાવ્યાં વગર સંસ્થા અને લાભાર્થીઓએ મળી બારોબાર પૈસાનો વહીવટ કરી લીધો હોવાની રાવ કરી ટીડીઓને તપાસ કરવા રજૂઆત કરી હતી. ટીડીઓની સૂચના મુજબ જે-તે અધિકારીઓએ નટવરગઢમાં તપાસ કરી શૌચાલય બનાવ્યા હોવાનો રિપોર્ટ આપી શૌચાલય બાબતે કોઈ કૌભાંડ થયું નહીં હોવાનું જણાવ્યું હતું. લીંબડી તાલુકા કક્ષાએ યોગ્ય ન્યાય નહીં મળે તેમ લાગતાં અરજદાર વિનુભાઈ મેણિયાએ નિયામક કચેરીએ શૌચાલય કૌભાંડ બાબતે તપાસ કરવા રજૂઆત કરી હતી.
આ અંગે તાલુકા વિકાસ અધિકારી આર.જી.વણકર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે શૌચાલય બનાવવાનું કામ રાખનાર સંસ્થા પાસેથી પૈસા રિકવર કરી લેવામાં આવ્યાં છે. શૌચાલય બાબતે યોગ્ય તપાસ નહીં કરનારા કો-ઓર્ડિનેટર ચેતનસિંહ ઝાલાની ચુડા અને બીજા કોર્ડીનેટર રીટાબેન વાઘેલાની લખતર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે જે-તે સમયના તલાટી મનિષાબેન મુળિયા સામે તપાસના આદેશ આપ્યા છે.
અરજદાર વિનુભાઈ મેણિયાએ જણાવ્યું હતું કે, આ કૌભાંડ બહું મોટું છે. ગામમાં 178 શૌચાલયની તપાસ થશે ત્યારે મોટું કૌભાંડ બહાર આવશે.