બાય વન ગેટ વન ફ્રીની સ્કીમ હેઠળ રૂ. રપ00 ના ડમી કુપનો ધાબડી દીધા: પ્રવાસીઓ રિસોર્ટ બુક કરાવવા ગયા ત્યારે છેતરાયાનો અહેસાસ થયો: ભોગ બનનારે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં કરી અરજી: રિસોર્ટના માલીકે જેની સાથે ધંધાકીય ડિલ કરી હતી તેના બદલે બીજા એજન્ટો બજારમાં ફુટી નીકળ્યા
કોરોના કાળમાં સૌથી વધુ અસર પ્રવાસન ઉઘોગને પડી છે હોટલો, રિસોર્ટના ધંધાર્થીઓએ દોઢ વર્ષ સુધી કારમી મંદી સહન કર્યા બાદ કોરોના નબળો પડતા હોટલ, રિસોર્ટ ફરી ધમધમવા લાગ્યા છે. ત્યારે હોટલ-રિસોર્ટના ડમી કુપનો દ્વારા છેતરપીંડી કરતી ટોળકી પણ સક્રિય વતી છે હોટલ રિસોર્ટના માલીકો સાથે ટાઇપ કર્યા બાદ વધારાના કુપનો છાપી પ્રવાસીઓને સ્કીમના ઓઠા હેઠળ પધરાવી દેવાતા ચાલતા વ્યવસ્થીત નેટવર્ક અંગે પોલીસમાં અરજી થઇ છે ત્યારે આ પ્રકરણમાં પોલીસ તંત્રમુળ સુધી પહોંચે તો કેટલાય ભેજાબાજોના નામ ખુલે તેવા સંકેતો મળી રહ્યા છે.
આ અંગેની પોલીસ સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ ન્યુ જાગનાથ-રપ મંગલજીવન એપાર્ટમેન્ટમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્નો વ્યવસાય કરતા પ્રશાંત કટારીયા (ઉ.વ.31) એ પ્રદયુમનનગર પોલીસ મથકમાં એક લેખીત ફરીયાદ અરજી પાઠવીછે.
અરજીમાં જણાવ્યા પ્રમાણે દશેક મહીના પહેલા પ્રશાંત કટારીયાની ઓફીસે તેમના જાણીતા પ્રમોદકુમાર નામનો શખ્સ આવ્યો હતો અને સાસણ ગીરની લીયો ગીર પ્રાઇડ રિસોર્ટની સ્કીમ સમજાવી હતી.
રિસોર્ટના રૂ. રપ00 નું કુપન લેવાથી બાય વન ગેટ વન ફ્રીની સ્કીમનો લાભ મળશે અને આ કુપનની વેલીડીટી એક વર્ષ ચાલશે તેમ જણાવતા અરજદાર પ્રશાંતે રૂ. રપ00 માં એક કુપન ખરીદ કર્યુ હતું.
બાદમાં તા. 10-3-21ના રોજ અરજદારે સાસણ ગીર જવાનો પ્રોગ્રામ બનાવી લાયન ગીર પ્રાઇડ રિસોર્ટનો સંપર્ક કરી કુપનના આધારે બુકીંગ કરાવતા રિસોર્ટના સંચાલક મહેન્દ્રસિંહ સોલંકીએ કુપન નંબર પુછયા હતા જે નંબરના પૈસા રિસોર્ટમાં નહી ભરેલા હોવાનું જણાવી અરજદારનું બુકીંગ કેન્સલ કરી નાખ્યું હતું.
બાદમાં અરજદાર પ્રશાંતે તપાસ કરાવતા આવા ડમી કુપનો શહેરમાં અનેકને પધરાવી દીધા હોવાનું જાણવા મળતા અંતે પ્રદયુમનગર પોલીસ મથકમાં ચીટીંગ અંગે અરજી આપી હતી.
પોલીસની તપાસમાં રિસોર્ટના માલીકની પુછપરછ કરતા કોરોના કાળ દરમિયાન ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા હોય એક વર્ષ પહેલા અનિરુઘ્ધસિંહ સાથે ધંધાકીય ડીલ થઇ હતી જેમાં પ00 કુપન ઇસ્યુ કરવાનું કહ્યું હતું અને એક કુપનના રૂ. 800 રિસોર્ટના માલીકને આપ્યા બાદ તે કુપનનું રજીસ્ટ્રેશન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.
જે પેટે 95 કુપનના પૈસા આવતા તેવા પ્રવાસીઓના બુકીંગ લેવામાં આવ્યા હતા બાદમાં અનિરુઘ્ધસિંહની સાથે કામ કરતો પ્રમોદ નામનો શખ્સે રિસોર્ટના માલીકનો ડાયરેકટ સંપર્ક કરી આ સ્કીમની કામગીરી પોતાને ફાળવવા જણાવ્યું હતું પરંતુ રિસોર્ટના માલીકે પૈસા આવતા નહી હોવાનું જણાવી કુપનની સ્કીમ આપવાની ના પાડી દીધી હતી.
આમ છતાં લાયન ગીર પ્રાઇડ રિસોર્ટના ડિસ્કાઉન્ટ કુપન રાજકોટ સહીતના શહેરીમાં ફરતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે લોકો આવા કુપનની સ્કીમમાં ફસાય નહી તે માટે અપીલ કરવામાં આવી છે.
બાય વન ગેટ વન ફ્રીના સ્કીમ હેઠળ ગીરની હોટલના કુપનો બજારમાં ફરતા હોવા છતાં રિસોર્ટના માલીકે આ બાબતની ફરીયાદ કરવાની તસ્દી લીધી નહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ અરજીની તપાસ ચલાવી રહેલા પ્રદયુમનનગરના પી.એસ.આઇ. કે.સી. રાણાનો સંપર્ક કરવા અરજી મળી છે અને તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું.