સમય ટ્રેડીંગ અને આશીષ ક્રેડીટ સોસાયટીમાં રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીમાં 10 સામે ગુનો નોંધાયો’તો
રાજકોટ સહિત રાજ્યભરના હજારો લોકો પાસે થાપણોના નામે પૈસા ઉઘરાવી ચાઉં કરી જવાના ગુન્હામાં રાજકોટની આશીષ ક્રેડીટ કોઓપરેટીવ સોસાયટીના માલીક તથા એજન્ટો વિરૂધ્ધ નોંધાયેલ ગુન્હાના કામે એજન્ટ દિપક પટેલની ધરપકડ સામે હાઈકોર્ટની રોક આ કેસની હકીકત મુજબ રાજકોટના 150 ફૂટ રોડ પર આવેલા આશીષ ક્રેડીટ કો-ઓપ.સોસાયટી, સમય ટ્રેડીંગ તથા સાંઈ સમય ટ્રેડીંગ નામની પેઢીઓ ચાલુ કરી ગુજરાતના વિવિધ શહેરોમાં એજન્ટો નિમી રોકાણકારો પાસેથી ઉંચા વ્યાજ તથા વળતરના વાયદાઓ કરી અને ખોટા બહાનાઓ આપી પેઢીમાં રોકાણ કરવાથી સારૂ રીટર્ન મળશે તેવી લાલચ આપી વિવિધ શહેરોમાંથી એજન્ટો મારફત 45 કરોડ જેવી રકમ ઓળવી જવામાં પ્રદિપ ખોડા ડાવેરા , દિવ્યેશભાઈ કાલાવડીયા , હિતેશભાઈ લુકકા , ચંદુકાંતભાઈ રણછોડભાઈ પટેલ , અશોકભાઈ વલ્લભભાઈ કાલરીયા , કાર્તીક ઉર્ફે ગોપી લલીતભાઈ ઝાલા , પાર્થ જનકભાઈ ઝાલા ,પરીતોષ લલીતભાઈ ઝાલા , લલીતભાઈ પુનાભાઈ ઝાલા , દિપક કોટડીયા અને જનકભાઈ પટેલ વિગેરે વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ હતી.
આરોપીઓ વિરૂધ્ધ ૠઙઈંઉ ના ખાસ કાયદા હેઠળની ફરીયાદ નોંધાતા ધરપકડની દહેશતથી આરોપી દિપક પટેલે આગોતરા જામીન મેળવવા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી હતી અને જામીન અરજીમાં મુખ્યત્વે એવી રજુઆત કરવામાં આવેલી કે આરોપી દિપક પટેલ કોઈપણ પેઢીમાં મેનેજમેન્ટ કે ડીરેકટર તરીકેનો કોઈ હોદો ધરાવતા નથી માત્ર એજન્ટ હોવાનું જણાવી તેમને આરોપી તરીકે દર્શાવી પોલીસ અટક કરવા માંગે છે.
ફરીયાદી અને સાહેદોની જેમ તે પણ પેઢીના માલીકોના દૃષ્કૃત્યનો શીકાર બનેલો છે તેથી તેને આરોપી બનાવી પોલીસ સમગ્ર તપાસને અવળી દિશાએ લઈ જવા માંગતી હોય આરોપીને ધરપકડ સામે રક્ષણ આપવા સર્વોચ્ચ અદાલતે ત્રિપલ તલાકના કેસમાં આપેલ ચૂકાદાને ટાંકી લંબાણ પૂર્વકની રજૂઆતો કરેલી હતી. હાઈકોર્ટ એ રજુઆતો ધ્યાને લઈ આરોપીની આગોતરા જામીન અરજી એડમીટ કરી આરોપીને તપાસના કામે સહકાર આપવાનું જણાવી ગુનાના કામે અટક ન કરવા પોલીસને આદેશ ફરમાવેલો છે.આ કામમાં આરોપી દિપક કોટડીયા-પટેલ વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃષ્ણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા વિગેરે રોકાયેલ હતા.