પાર્લામેન્ટમાં લો-એન્ડ જસ્ટીસ કમીટીની બેઠકમાં સભ્ય અભય ભારદ્વાજ ઉપસ્થિત રહેશે
સૌરાષ્ટ્રનાં સિનિયર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજની તાજેતરમાં પાર્લામેન્ટમાં લોક-એન્ડ જસ્ટીસ કમીટીમાં નિમણુંક થઈ છે. લાંબા સમયથી ચાલતી આભાષી કોર્ટની કામગીરી અંતર્ગત સોમવારે મળનારી પાર્લામેન્ટ હાઉસમાં બેઠકમાં ઉપસ્થિત રહી વકીલોની વેદનાઓ રજૂ કરશે.વધુ વિગત મુજબ કોરોનાની મહામારીમાં સુપ્રિમ કોર્ટથી જ્યુડી.કોર્ટમાં છેલ્લા ૪ મહિનાથી ફીઝીકલ કામગીરીની બદલે આભાષી કોર્ટ કામગીરી ચાલી રહી છે. આ કામગીરીથી દેશની અદાલતોમાં બેથી ત્રણ વર્ષનુ કામનુ ભારણ વધી ગયું છે. દેશભરનાં વકીલો દ્વારા આભાષી કોર્ટને બદલે ફીઝીકલ કોટરે શરૂ કરવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા, બાર કાઉન્સીલ ઓફ સ્ટેટ અને બાર એસો. દ્વારા સુપ્રિમ કોર્ટને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ન્યાયાલયોમાં આભાષી કોર્ટની કામગીરી સંબંધે તા.૨૭ ને સોમવારના રોજ પાર્લામેન્ટમાં બેઠક યોજાવાની છે. તાજેતરમાં રાજ્યસભામાં ચુંટાયેલા અને સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની પાર્લામેન્ટમાં લો-એન્ડ જસ્ટીસ કમીટીમાં નિમણુંક થયેલી છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી સેશ.કોર્ટથી લઈ નીચેની કોર્ટ વકીલાત કરતા વકીલોની વેદનાઓ રજૂ કરી ફીઝીકલ અદાલતો શરૂ કરવા અંગે ચર્ચા-વિચારણામાં ભાગ લેશે.