ઉઘડતા સપ્તાહે શેરબજારમાં તેજીનો ટોન : સેન્સેક્સ ૩૦૮ નિફટીમાં ૮૦ પોઇન્ટનો ઉછાળો
સપ્તાહના આરંભે આજે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઇન્ડેક્સમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સોમવાર જાણે શેરબજાર માટે શુકનવંતો સાબિત થયો હોય તેમ સેન્સેક્સ આજે ૩૯ હજારની સપાટી ઓળંગી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ ૨૪ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. નિફટી ,બેંક નિફટી, અને મિડકેપ ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં કામ કરતા જોવા મળ્યા હતા. ગત સપ્તાહે શેરબજારમાં સતત ઉત્તર ચડાવનો માહોલ દેખાયો હતો..દરમિયાન આજે સપ્તાહના આરંભે સેન્સેક્સ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઉઘડતી બજારે સેન્સેક્સએ ૩૯ હજાર પોઇન્ટની સપાટી ઓળંગી હતી. જેથી રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સએ ૩૯૨૩૦ પોઈન્ટની સપાટી હાંસલ કરી હતી. તો નિફટીએ પણ ઇન્ટ્રા ડેમાં ૧૧૫૬૩ પોઇન્ટની સર્વોચ્ચ સપાટીને હાંસલ કરી હતી. અમરેકી ડોલર સામે આજે ભારતીય રુપીયો ૨૪ પૈસા જેટલો મજબૂત બન્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે ડોલર સામે રૂપિયા ૭૩.૨૮ પર ટ્રેડ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ, નેચરલ ગેસ, સોનુ અને ચાંદીના ભાવમાં પણ ઉછાળા નોંધાયા હતા. આજની તેજીમાં વિપરો, એસબીઆઈ કાર્ડ, રિલાયન્સ, બંધન બેંક, એચએફપીએલના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા. તો એચસીએલ ટેક, ઇન્ફોસીસ, ટિસીએસ, યુપીએલ જેવી કંપનીના શેરોના ભાવમાં ૨.૫૦થી લઈને ૭.૩૦ ટકા સુધીનો ઉછાળો દેખાયો હતો. તેજીમાં પણ બીબીસીએલ, આરસી એરટેલ, બજાજ ફાયનાન્સ અને એશિયન પેઇન્ટના ભાવો તૂટયા હતા. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૩૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૧૬૨ અને નિફટી ૮૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧૫૪૪ પર કામકાજ કરી રહ્યા છે.