ઉપલેટા તાલુકામાં રાત્રે બે વાગ્યા સુધીમાં ર૪ કલાકમાં સતત વરસાદ ચાલુ રહેતા પાંચથી આઠ ઇંચ જેવું પાણી વરસી ગયું હતું. આ વિસ્તારના ત્રણેય ડેમોમાં પાણીની આવક થતા પાટીયા ખોલવામાં આવ્યા હતા જયારે પાનેલી ગામે આવેલ ફુલઝર તળાવ ગતરાત્રે ૫૪ ફુટે ઓવરફલો થઇ ગયું હતું.
છેલ્લા બે દિવસ થયા સતત ધીમી ધારે વરસી રહેલા મેધરાજા હવે પાક માટે નુકશાન કરતા થઇ રહ્યા છે. તાલુકામાં ર૪ કલાકમાં પાંચથી આઠ ઇંચ જેટલું પાણીવરસી જતા મોડી રાત્રે શહેર તાલુકાને પીવાનું પાણી પુરુ પાડતા મોજ ડેમના રપ પાટીયા ચાર ફુટ ખોલાયા હતા જયારે ગધેથર ગામે આવેલ વેણુ ડેમના આઠ પાટીયા આઠ ચાર ખોલવામાં આવ્યા હતા.
અને ભૂખી ગામે પાસે આવેલ ભાદર-ર ડેમના દશ દરવાજા પાંચ ફુટ ખોલવા પડયા હતા. છેલ્લા બે દિવસ થયા સતત પડી રહેલા વરસાદને કારણે ડેમોમાં ભરપુર નવા નીરની આવક થતા ડેમોના દરવાજા ખોલવાને કારણે ભાદર, વેણુ અને મોજ નદીમાં ભારે પુર આવ્યા હતા. આને કારણે તાલુકાના મજેઠી, લાઠ, ભિમોશા, નાગવદર, વરજાગ મળીયા, નિલાખા, માંજીરા, ગઢાળા સહીત ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા માઇક દ્વારા જાણ કરવામાં આવેલ હતી. વેણુ ડેમના ૧ર પાટીયા આઠ ફુટ ખોલતા ભારે પાણીના પ્રવાહને કારણે તેરા દ્વારા નદી કાંઠા વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓને સલામત સ્થળે ખસેડવાનું ચાલુ કરાયું હતું.
જયારે સીદસર ગામે બિરાજતા મૉ ઉમીયા ના મંદીરના પટાંગણમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા હતા. વધુ વરસદાને કારણે કઠોળ, તલ અને મગફળીને વ્યાપાક પ્રમાણમાં નુકશાન થયું છે.
જો વધુ મેધરાજા મહેર કરે તો ખેડુતોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. જયારે પાનેલીના ફુલઝર તળાવ ૫૪ ફુટે ભરાઇ ગયું છે.