મગફળીના પાકને બચાવવા ખેડૂતોએ પાણી આપવાનું શરૂ કર્યું
સોરઠમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદ રોકાયા બાદ વરાપ નીકળી છે અને ભાદરવાના આકરા તડકા શરૂ થતાં જિલ્લાના અમુક પંથકોમાં ખેડૂતો દ્વારા પાકને પાણી આપવાનું શરૂ કરવું પડ્યું છે,
સોરઠ પંથકમાં આ વર્ષે મેઘો મન મૂકીને વરસી પડયો હતો અને લાગલગાટ બે મહિના સુધી વરસાદ પડ્યા બાદ છેલ્લા અઠવાડિયાથી વરાપ જોવા મળી રહી છે. જેના કારણે પાકને સારો ફાયદો થશે, તેવું ખેડૂતો કહી રહ્યા છે. પરંતુ સતત તડકાના લીધે ખેતરોમાં જે ભેજ હોય છે તે ચાલ્યો ગયો હોય. જેથી મગફળી સહિતના પાકને બચાવવા ખેડૂતોએ પાકને પાણી આપવાનું શરૂ કર્યું છે.
આમ જોઈએ તો, સમગ્ર સોરઠમાં સારા વરસાદના કારણે મગફળીનો પાક સારો ખીલી રહ્યો છે, એમાં છેલ્લા કેટલાક દિવસથી વરાપ નીકળી છે. તેથી પાકને ફાયદો પણ થશે, પરંતુ જિલ્લાના અમુક વિસ્તારો એવા છે કે, જ્યાં પાકમાં પાણીની ઘટ જોવા મળી રહી છે. જેથી ખેડૂતોએ પાકને બચાવવા પાણી આપવાનું શરૂ કર્યું છે . જો કે, સોરઠના ધેડ સહિતના અમુક વિસ્તારોમાં હજુ પણ જમીન માંથી રેચ ફૂટી રહ્યા છે. અને ખેતરોમાં નિર પાણી જોવા મળી રહ્યા છે
સોરઠમાં હમણાં વરસાદ નહીં થાય : હવામાન વિભાગ
જુનાગઢ કૃષિ યુનિ. હવામાન વિભાગના ધીમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર, હિમાલય ઉપર ચોમાસુ ધરી હાલ છે, અને હજુ ત્યાં જ રહેશે એવું જણાઈ રહ્યું છે, તે સાથે જુનાગઢ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર પર હાલ કોઈ વરસાદી સિસ્ટમ નથી અને સિસ્ટમ સક્રિય થાય તેવી કોઈ સંભાવના પણ ઓછી છે.
મગફળીના પાકને પાણી આપવું જરૂરી : ડો. ગોહિલ
જૂનાગઢના કૃષિ તજજ્ઞ ડો. ગોહિલના જણાવ્યા અનુસાર, સોરઠમાં બે માસ સુધી મગફળી વરસાદમાં રહી છે, અને હવે વરાપ નીકળ્યા બાદ તડકા પડતા જમીનમાંથી ભેજ ઊડી ગયો એવા વિસ્તારના ખેડૂતોએ પોતાના પાકમાં સારો ફાયદો મેળવવા પાણી આપવું જરૂરી છે.