પાટીદાર સમાજને મનાવવા માટે ભાજપની હવે પછીની નીતિ શું ? ના સવાલનો જવાબ આપવાનું પણ સાંસદ કુંડારીયાએ ટાળ્યું
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પડઘા વાગી રહ્યા છે ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા ફરી એક વખત ટંકારા-પડધરી બેઠક પરથી વિધાનસભાની ચુંટણીમાં ઝંપલાવી તેવી લોકોમાં સ્વયંભુ માંગણી ઉઠી છે. દરમિયાન અબતકે કરેલા સવાલમાં મોહનભાઈ ટંકારા વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવા મુદ્દે મોઢુ સીવી લીધું હતું. પાટીદાર સમાજને મનાવવા માટે ભાજપને હવે પછીની રણનીતિ શું હશે ? તે સવાલના જવાબ આપવાનું પણ સાંસદે ટાળ્યું હતું અને મીઠી મુસ્કાન આપી હતી.
ગઈકાલે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે નવી લીફટ, એકસેલેટર અને ફુટ રેમ્પનું ભૂમિપૂજન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતી વેળાએ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાને જયારે અબતક દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો કે ભાજપે ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે ૧૫૦ પ્લસ બેઠક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે પક્ષ જો તમને ટંકારા-પડધરી બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડવાનું કહેશે તો આપ લડશો ખરા ? આ સવાલનો જવાબ આપવાનું મોહનભાઈએ ટાળ્યું હતું. આ ઉપરાંત અબતકે એવો સવાલ પણ કર્યો હતો કે અનામતની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ એવા પાટીદાર સમાજને મનાવવા માટે પક્ષની આગામી નીતિ શું હશે તેનો જવાબ પણ મોહનભાઈએ આપ્યો ન હતો. જોકે ત્રીજા સવાલનો જવાબ મોહનભાઈએ ખુશખુશાલ મુદ્રામાં આપ્યો હતો. વિકાસની વાતો ભાજપ સરકારે કરે છે ત્યારે શું ખરેખર વિકાસ થયો છે. તે સવાલનો જવાબ આપતા સાંસદ કુંડારીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ચુંટણીલક્ષી પાર્ટી નથી. ભાજપ માત્ર ચુંટણી માટે નહીં પરંતુ લોકગીત માટે કામ કરતી પાર્ટી અને સરકાર છે. જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈએ ખુબ જ ટુંકાગાળામાં વિકાસ માટે ત્વરીત નિર્ણયો લીધા છે. તેના પરથી ચોકકસ કહી શકાય કે વિકાસ થઈ રહ્યો છે. ભાજપ કયારેય રાજનીતિ કે ચુંટણીલક્ષી કામો કરતું નથી અને હંમેશા લોકોના કામો કરે છે.