કડવા પટેલ સમાજને ટિકિટ આપવામાં આવે તો પુષ્કર પટેલનું નામ સૌથી વધુ હોટ ફેવરિટ: ઓબીસીને ટિકિટ આપવાની થાય તો ઉદય કાનગડનું નામ મોખરે: લોકસભાની ચુંટણીમાં રાજકોટ બેઠક માટે ભાજપમાં અડધો ડઝન દાવેદારો
લોકસભાની ચુંટણીની તારીખનું એલાન થઈ ગયું છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. આગામી ૨૮મી માર્ચથી ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શ‚ થઈ જશે. આવામાં રાજકોટના સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાથી શહેર ભાજપના કેટલાક નેતાઓ ભારોભાર નારાજ હોવાની વાત બહાર આવી રહી છે અને બીજી ટર્મ માટે મોહનભાઈને રીપીટ કરવામાં ન આવે તેવી લાગણી હાઈકમાન્ડ સુધી પણ પહોંચાડી દેવામાં આવી છે જો મોહનભાઈને રીપીટ કરવામાં ન આવે તો રાજકોટ બેઠક માટે પુષ્કરભાઈ પટેલ અને ઉદયભાઈ કાનગડના નામ ચર્ચામાં હોવાનું મનાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રની ૭ પૈકી કોઈપણ એક બેઠક પર કડવા પટેલ સમાજને ટીકીટ આપવી પડે તેવી સ્થિતિમાં ભાજપે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં મોહનભાઈ કુંડારીયાને ટીકીટ આપી હતી. તેઓ તોતીંગ લીડ સાથે વિજેતા પણ બન્યા હતા.
સાંસદ તરીકે પાંચ વર્ષની કારકિર્દીમાં તેઓની સામે કોઈપણ પ્રકારના વિવાદ ઉભા થયા નથી કે આંગળી ચિંધાય નથી આવામાં એવું મનાઈ રહ્યું છે કે, કડવા પટેલ સમાજને ફરી સાચવી લેવા માટે ભાજપ રાજકોટ બેઠક પરથી મોહનભાઈ કુંડારિયાને રીપીટ કરશે જોકે છેલ્લા બે દિવસથી સમીકરણો થોડા બદલાયા છે. લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થતાની સાથે જ શહેર ભાજપના અમુક હોદેદારો સાંસદ મોહનભાઈ કુંડારીયાથી ભારોભાર નારાજ હોવાની વાત પણ સામે આવી છે.
મોહનભાઈ રાજકોટના સાંસદ હોવા છતાં ખુબ જ ઓછો સમય રાજકોટમાં રહે છે અને માત્ર લેટરપેડ પર જ તેઓનું અસ્તિત્વ હોય છે. તેઓ મોરબી વધુ સમયગાળે છે અને આજની તારીખે રાજકોટવાસીઓએ તેઓને પોતાના સાંસદ તરીકે સ્વિકાર્યા ન હોવાની વાત પણ શહેર ભાજપના કેટલાક હોદેદારો પ્રદેશ હાઈકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે અને લોકસભાની ચુંટણીમાં ફરી મોહનભાઈને ટીકીટ આપવામાં ન આવે તેવી માંગણી મુકી છે.
જો કડવા પટેલ સમાજને ફરજીયાત સાચવવું પડે તેમ હોય તો રાજકોટ બેઠક પરથી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે જો કોંગ્રેસ ઓબીસી સમાજને ટિકિટ આપે તો ભાજપે ફરજીયાતપણે ઓબીસીને ટિકિટ આપવી પડે જો આવી સ્થિતિનું નિર્માણ થાય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવામાં આવે તેવી શકયતા હાલ માત્ર ૬૦ ટકા જેટલી જણાઈ રહી છે. બીજી તરફ જો કોઈ એક નામ પર શહેર ભાજપમાં સર્વસંમતિથી ન સંધાય તો મોહનલાલને રીપીટની લોટરી લાગી શકે તેમ છે.
જો હાઈકમાન્ડ રાજકોટ બેઠક પરથી કડવા સમાજને ટિકિટ આપવાનું મન બનાવી લે અને મોહનભાઈને રીપીટ ન કરે તો આવામાં પુષ્કરભાઈને વધુ તક જણાઈ રહી છે જોકે હાલ તમામ પ્રકારના સમીકરણો જો અને તો વચ્ચે રમી રહ્યા છે. બની શકે કે ભાજપ કોઈ નવો જ ચહેરો મેદાનમાં ઉતારે અને તમામ નેતાઓને એક લીટીમાં આ ઉમેદવારને જીતાડવાનો છે તેવો આદેશ આપે તો નારાજગીને ભસ્મીભુત કરી ફરી ભાજપના નેતાઓએ પોતાના ઉમેદવારને જીતાડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેવી પડશે.