કોંગ્રેસના ઉમેદવાર સીવાયના તમામની ડિપોઝીટ ગુલ થવાની સંભાવના: ૪,૮૫,૮૦૯ મતોની ગણતરીમાં મોહનભાઈ કુંડારીયાને ૩,૧૭,૫૨૪, લલીતભાઈ કગથરાને ૧,૪૩,૫૨૦ અને નોટાને ૬૦૯૪ મત
મોહનભાઈ કુંડારીયા રાજકોટ બેઠક પરથી સતત બીજી વખત ચુંટણી જીતનારા ચોથા સાંસદ બનશે
રાજકોટ લોકસભા બેઠકમાં મત ગણતરી દરમિયાન ૧૧ વાગ્યે ભાજપના મોહનભાઈ કુંડારીયા ૧.૭૪ લાખ મતથી આગળ રહ્યાં છે. મોહનભાઈની લીડ જોતા એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવારો સીવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થવાની છે. ઉપરાંત નોટામાં ૫૭૩૮ મત પડયા હોવાનું જાણવા મળ્યું છે.
મોહનભાઈ કુંડારીયા રાજકોટ બેઠક પરથી સતત બીજી વખત ચુંટણી જીતનારા સાંસદ બનવા જઈ રહ્યા છે. આ પહેલા વલ્લભભાઈ કથીરિયા ચાર વખત અને મીનોચેર મસાણી અગાઉ બે વખત લોકસભાની ચુંટણી રાજકોટ બેઠક પરથી જીતી દિલ્હી પહોંચ્યા હતા. જે રીતે હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, મોહનભાઈ કુંડારીયા ૨૦૧૪થી પણ વધુ લીડ હાંસલ કરે તેવી પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે.
રાજકોટ લોકસભા બેઠકની ગત ૨૩મી એપ્રીલના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેની આજરોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ૧,૭૪,૦૧૪ મતથી આગળ રહ્યાં છે. સવારે ૧૧ વાગ્યા સુધીમાં રાજકોટ સંસદીય વિસ્તારમાં પડેલા ૪,૮૫,૮૦૯ મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં મોહનભાઈ કુંડારીયાને ૩,૧૭,૫૩૪ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાને ૧,૪૩,૬૨૦ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને બાદ કરતા બાકીના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુલ થાય તેવી લીડ ભાજપના ઉમેદવાર મોહનભાઈને મળી રહી છે.
રાજકોટ લોકસભા બેઠકના સંપૂર્ણ પરિણામ પર નજર કરીએ તો બપોરે ૧૧ વાગ્યા સુધીમાં ૪,૮૫,૮૦૯ મતોની ગણતરી થઈ હતી જેમાં બસપાના વિજયભાઈ પરમારને ૫૦૭૬, અપક્ષ ઉમેદવારો જે.બી.ચૌહાણને ૩૭૦, અમરદાસ દેસાણીને ૫૧૦, જયપાલસિંહ તોમરને ૫૭૨, દેંગડા પ્રવિણભાઈને ૫૦૧, ચિત્રોડા નાથાલાલને ૪૨૦, રાકેશભાઈ પટેલને ૧૫૬૪ અને ચૌહાણ મનોજભાઈને ૪૦૫ મતો મળ્યા છે. ઉપરાંત ૬૦૯૪ મતો નોટામાં પડયા હોવાનું ગણતરીમાં ધ્યાને આવ્યું છે.
ભાજપના મોહનભાઈ કુંડારીયા ૧.૭૪ લાખની જંગી લીડથી આગળ વધી રહ્યાં છે. સામે કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાને ૧,૩૧,૨૪૮ મતો મળ્યા હોવાનું ગણતરીમાં નોંધાયું છે. હાલ મોહનભાઈ કુંડારીયાને ૨ લાખથી વધુની લીડ મળે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. સામે મોહનભાઈ કુંડારીયાની જંગી લીડના કારણે કોંગ્રેસના ઉમેદવાર સીવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ પણ પરત ન મળે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
વોર્ડ નં.૭નું ઈવીએમ બદલાઈ ગયું હોવાનો આક્ષેપ
કોંગ્રેસના આગેવાન રણજીતભાઈ મુંધવાએ મત ગણતરી વેળાએ એવો આક્ષેપ કર્યો હતો કે, વોર્ડ નં.૭માં આવેલા બુથ નં.૪૪ની અંદર મતદાન વખતે ૭૯૬૭૨ નંબરનું ઈવીએમ મશીન હતું. પરંતુ મત ગણતરી વખતે ઈવીએમ ૭૩૬૬૨ નંબરનું નીકળ્યું હતું. ઉપરાંત આ ઈવીએમનો નંબર ગ-ફોર્મમાં મેચ થતો નથી. આ બુથ ૭૦-રાજકોટ દક્ષિણ બેઠકમાં આવેલ છે. આ અંગે રણજીતભાઈ મુંધવાએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત પણ કરી હતી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસને આ મામલે જાણ કરી છે.
વિજય સરઘસ નહીં કાઢવાના ભાજપના નિર્ણયની સર્વત્ર સરાહના
રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિતભાઈ કગથરાનાં પુત્ર વિશાલભાઈનું તાજેતરમાં જ દુ:ખદ અવસાન થયું હોય ભાજપે અગાઉ જ એવી જાહેરાત કરી દીધી હતી કે, જો તેઓ રાજકોટ બેઠક પરથી જીતશે તો મોહનભાઈ કુંડારીયાની જીતની ખુશીમાં ગ્રામ્ય પંથક કે શહેરમાં વિજય સરઘસ કાઢવામાં આવશે નહીં.હરીફ ઉમેદવારનાં દુ:ખમાં સહભાગી થઈ પોતાની ખુશીની ઉજવણી ન કરવાનાં ભાજપનાં નિર્ણયની સર્વત્ર સરાહના થઈ રહી છે.