રાજકોટ અને પોરબંદર બેઠક પર લેઉવા-કડવાના સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપ ટિકિટની ફાળવણી કરશે: મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરાય તેવી વધુ શકયતા
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા લોકસભા બેઠક વાઈઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાયા બાદ છેલ્લા ત્રણ દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. જેમાં આજે અંતિમ દિવસે રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છ એમ ચાર બેઠક માટે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ બેઠક માટે બે નામોની પેનલ બનાવવામાં આવી છે.
જેમાં વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગજેરાનું નામ હોવાનું અત્યંત વિશ્વનીય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. પોરબંદર અને રાજકોટ બેઠક લેઉઆ અને કડવા પટેલ સમાજમાંથી આવતા ઉમેદવારોને જ ફાળવવામાં આવશે તે નિશ્ચિ માનવામાં આવી રહ્યું છે. પોરબંદર બેઠક પરથી લેઉઆ પટેલ સમાજમાંથી આવતા વ્યકિતને ટિકિટ આપવામાં આવશે તો રાજકોટ બેઠક પરથી ભાજપ કડવા પટેલ સમાજમાંથી આવતા આગેવાનને ચુંટણી જંગમાં ઉતારે તેવું માનવામાં આવી રહ્યું છે.
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના અંતિમ દિવસે આજે રાજકોટ શહેર ભાજપના આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા જેમાં રાજકોટના ચારેય ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, ત્રણેય મહામંત્રી, ત્રણેય પ્રદેશ નિરીક્ષક, રાજકોટના પ્રભારીમંત્રી, રાજકોટના પક્ષ પ્રભારી, લોકસભા બેઠકના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, વિસ્તારક સહિત કુલ ૧૭ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાને ફરી ટિકિટ આપે તે વાત ઘણા દિવસોથી ચાલી રહી છે. દરમિયાન આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજકોટ લોકસભા માટે બે નામોની પેનલ બનાવવામાં આવી છે. જેમાં વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગજેરાના નામ મુકવામાં આવ્યા છે.
વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ સૌરાષ્ટ્રની સાત બેઠક પૈકી ભાજપ રાજકોટ અને પોરબંદર બેઠક માટે લેઉઆ તથા કડવાના સમીકરણોને ધ્યાનમાં રાખી ટિકિટની ફાળવણી કરશે. જો પોરબંદર બેઠક પરથી લેઉઆ પટેલ સમાજને મેદાનમાં ઉતારવામાં આવશે તો રાજકોટમાંથી કડવા પટેલને ટિકિટ આપવામાં આવશે અને જો પોરબંદર બેઠક પરથી કડવા પટેલ સમાજને ટિકિટ આપવામાં આવશે તો રાજકોટ બેઠક પરથી લેઉઆ પટેલ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે વાત લગભગ ફાઈનલ માનવામાં આવી રહી છે.
આજે પાર્લામેન્ટરી બેઠકના અંતિમ દિવસે ચાર બેઠકો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સાથે ત્રણ દિવસ ચાલેલી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની તમામ લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી છે. એકમાત્ર ગાંધીનગર બેઠકને બાદ કરતા અન્ય ૨૫ બેઠકો માટે પેનલ તૈયાર કરવામાં આવી છે જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે. એપ્રિલ માસના આરંભે જ ભાજપ પોતાના ઉમેદવારોના નામની સતાવાર ઘોષણા કરી દેશે. રાજકોટ બેઠક માટે મોહનભાઈ કુંડારિયાની રીપીટ કરવામાં આવે તેવી સંભાવના વધુ જણાય રહી છે.
પરેશ ગજેરાને ટિકિટ આપવા રાજકોટમાં ઠેર-ઠેર લાગ્યા બેનરો રાજકોટ લોકસભા બેઠક પરથી ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને લેઉઆ પટેલ સમાજના યુવા આગેવાન પરેશભાઈ ગજેરાને ટિકિટ આપવાની માંગણી સાથે અલગ-અલગ ગ્રુપ દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો પર બેનરો લગાવવામાં આવ્યા છે. કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રીજ, નાનામવા સર્કલ સહિતના વિસ્તારોમાં પરેશભાઈ ગજેરાને ટિકિટ આપવાની માંગ સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે.