સંઘ પ્રદેશ સેલવાસના અપક્ષ ઉમેદવાર મોહનભાઇ ડેલકરે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને વિકાસલક્ષી અનેક યોજનાઓ લાગુ કરવાની જાહેરાત કરી હતી. શૈક્ષણિક, રોજગાર, ઔઘોગિક, સામાજીક, રમતગમત, વ્યાપાર વાણિજય, કૃષિ પશુપાલન જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મુખ્ય મુદ્દાઓ જેમાં દાદરા નગર હવેલીને વિધાનસભાનો દરજજો અપાવવા પૂરજોશથી પ્રયાસો કરીશ, પ્રશાસનમાં લોકતંત્રની પ્રણાલી બહાલ થાય તેવા વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે. રોજગારની કથળેલી સ્થિતિને સુધારી નવા અવસરો પેદા કરવાના પ્રયાસો કરીશ, શિક્ષિત બેરોજગાર નૌજવાનોને બેરોજગારી ભથ્થુ અપાવવાની કોશિશ કરીશ, હાલના ઉઘોગોની સ્થિતિ ખરાબ હોય, જરુરી સહાય અપાવવાની સાથે સાથે યોગ્ય ઉઘોગનીતી ઉપર ભાર મુકવામાં આવશે. કામદારોને સરકારી નિયમ મુજબ વેતનની સાથે મળવાપાત્ર લાભો અપાવવામાં આવશે.
પ્રદેશમાં ગુણવતાયુકત શિક્ષણ પ્રદાન થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે., ખાનગી શાળાઓમાં શુલ્ક નિયંત્રણ માટે પોલીસી બનાવવા પર ભાર આપવામાં આવશે. દરેક પંચાયતોમાં મીની સ્પોટર્સ કોમ્પલેક્ષનું નિર્માણ કરાવવામાં આવશે. વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં ગંભીર બિમારીઓ સામે સક્ષણ મળે તે માટે આધુનિક સુવિધાઓ સાથે કાયમી નિષ્ણાંત ડોકટરોની નિયુકિત કરાવવામાં આવશે. પ્રદેશના વેપારીઓને થતી હેરાનગતિ અને ઉદભવેલી મુશ્કેલીઓ દૂર કરાવવામાં આવશે. મહિલાઓના ઉત્થાન અને સ્વરોજગારની તાલીમ માટે પ્રદેશમાં કાર્યરત એન.જી.ઓ. ને પ્રોત્સાહન આપવામાં આવશે સહીતના મુદ્દાઓ ઉપર યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.