- રાજકોટમાં ભવ્યાતિભવ્ય રોડ-શો: જૂનાગઢ અને રાજકોટમાં જંગી જાહેર સભાને સંબોધશે: સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 11865 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત
- રાજકોટની ધરા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ લગાવ: પાંચ વર્ષ બાદ પધારી રહેલા પીએમને હૃદયના ઉમળકાથી વધાવી લેવા રાજકોટવાસીઓમાં ભારે ઉલ્લાસ
આમ તો આગામી સોમવારે દિવાળીનું પર્વ છે. પરંતુ રાજકોટ અને જૂનાગઢમાં જાણે પાંચ દિવસ વહેલી દિવાળી આવી ગઇ હોય તેવો અદ્ભૂત માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોને નવી દુલ્હનની માફક શણગારવામાં આવ્યા છે. ભારે રૂડપ લાગી રહી છે. રસ્તાઓ ચોખ્ખા ચણાંક થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજે મોદીત્સવની ઉજવણી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ફરી બે દિવસ માદરે વતનના મોંઘેરા મહેમાન બન્યા છે. જૂનાગઢ અને રાજકોટમાં તેઓની જંગી જાહેરસભા યોજાશે. રાજકોટમાં સાંજે ભવ્યાતિભવ્ય રોડ-શો કરશે.
પાંચ વર્ષ બાદ રાજકોટની ભૂમિ પર આવી રહેલા પ્રધાનમંત્રીને હૈયાના ઉમળકા સાથે આવકારવા રાજકોટવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નરેન્દ્રભાઇના હસ્તે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 11865 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. રાજકોટમાં આજથી ત્રણ દિવસ માટે યોજાનારી નેશનલ હાઉસીંગ કોન્કલેવનું પણ તેઓ આરંભ કરાવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું આવતા સપ્તાહ એલાન થવાની પુરી સંભાવના છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા પહેલાની પીએમની આ ગુજરાતની અંતિમ મુલાકાત હોવાનું મનાય રહ્યું છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર તથા રાજ્ય સરકારના અગ્ર સચીવે પીએમને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતાં.
વડાપ્રધાનના હસ્તે પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિર ખાતે ડિફેન્સ એકસ્પોનું ઉદ્ઘાટન કરાવ્યું હતું અને સંબોધન પણ કર્યું હતું. તેઓએ અઢી કલાકથી પણ વધુનો સમય ડિફેન્સ એકસ્પોમાં ગાળ્યો હતો. વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેઓની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ જોડાયા હતા.
બપોરે 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જૂનાગઢ શહેર ખાતે આગમન થશે. તેઓ જૂનાગઢમાં એક વિશાળ જાહેરસભાને સંબોધશે. ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને રૂા.4155.17 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપશે.
જૂનાગઢ જિલ્લામાં આગામી દિવસોમાં સુવિધામાં અનેક ગણો વધારો થશે. વંથલી અને મેંદરડા ભાગ-2 પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવશે. નાબાર્ડની આરઆઇડીએફ યોજના અંતર્ગત બિયારણ, ખાતર, કૃષિ પેદાશોના સંગ્રહ માટેના ગોડાઉનનું ખાતમુહુર્ત કરાશે.
પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં 546 કરોડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, માધવપુર ખાતે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસ કામો, કુતિયાણા જૂથ પાણી પુરવઠા સહિત 834.12 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. ઉમરગામથી લખપત કોસ્ટલ હાઇવે 2440 કરોડના યોજનાની ભેટ આપશે. જૂનાગઢમાં ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ એમ કુલ ત્રણ જિલ્લાના રૂા.4155.17 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે અને જંગી જાહેરને સંબોધશે.
સાંજે 5:10 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થશે. અહી એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર સુધીના 1.40 કિ.મી.નો વિશાળ રોડ-શો યોજાશે. આ રૂટ પર તેઓને અઢારેય વરણ દ્વારા આવકારવામાં આવશે. રોડ-શોના રૂટ પર 60 થી વધુ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. એરપોર્ટ ખાતે આગમન થતાની સાથે જ પીએમનું નાસિકના ઢોલ, તરણેતરની છત્રી અને રાસ-ગરબાની રમઝટ સાથે આવકારવામાં આવશે. એનસીસી દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. રોડ-શોના રૂટ પર વિવિધ સમાજના લોકો દ્વારા વૈશ્ર્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીને ઉમળકાભેર આવકાર આપવામાં આવશે. 2017 બાદ પાંચ વર્ષ પછી નરેન્દ્રભાઇ મોદીનો રાજકોટમાં રોડ-શો અને જાહેર સભા યોજાઇ રહી હોય શહેરીજનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના રેસકોર્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં નાગરિકોના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
સાંજે ચાર વાગ્યાથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થશે. દરમિયાન લોક કલાકાર ઓસમાણ મીર વિવિધ રચનાઓ રજૂ કરીને લોકોને ડોલાવશે, તો હાસ્યકાર માયાભાઇ આહિર પોતાની લાક્ષણિક શૈલીમાં હાસ્યભાથું પીરસીને લોકોને મનોરંજનની રસલ્હાણ પીરસશે. રાજકોટ શહેરના પરમ કથ્થક કેન્દ્ર, કંકણ ગ્રુપ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના છાત્રો ગરબા અને સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કરીને લોકોને મનોરંજન પુરૂં પાડશે. આ દરમિયાન ગુજરાતની 20 વર્ષની વિકાસગાથા વર્ણવતી ફિલ્મ પણ રજૂ થશે.
રોડ-શો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રેસકોર્સ ખાતે સભા સ્થળે પહોંચશે. રાજકોટ મહાનગર પાલિકા અને રૂડાના 379 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ, ત્રણ બ્રિજ, સાયન્સ મ્યુઝિયમ, રોડ-રસ્તાના કામો, જીઆઇડીસી, રેલવે અને ગતિશીલ ટર્મિનલ સહિતના રાજકોટ શહેર અને જિલ્લાના 4309 કરોડ અને મોરબી જિલ્લાના મેડિકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે, ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિત 2738 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. રાજકોટથી 7710 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. રેસકોર્સ ખાતે જંગી જાહેરસભાને સંબોધશે. જેમાં દોઢ લાખથી વધુની માનવ મેદની ઉમટી પડશે.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આજથી શરૂ થનારા નેશનલ અર્બન કોન્કલેવનો આરંભ કરાવશે. સંબોધન કરશે. વિવિધ સ્ટોલની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને લઇ સૌરાષ્ટ્રની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.