ઇકોનોમિકલ, પોલિટિકલી, સોશિયલ અને ટેરર આ ચાર મુદ્દે મોદી અમેરિકા સાથે સંકલન સાધી ભારતને નવા આયામો સર કરાવશે

અબતક, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દેશને ચાર ચાંદ લગાવી દેશે. ઇકોનોમિકલ, પોલિટિકલી, સોશિયલ અને ટેરર આ ચાર મુદ્દે મોદી અમેરિકા સાથે સંકલન સાધીને ભારતને નવા આયામો સર કરાવશે તે નક્કી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ અમેરિકા પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે મોદી વોશિંગ્ટનની હોટલ બિલાર્ડમાં રોકાયા છે, જ્યાં તેઓ લોકોની શુભેચ્છાઓનો જવાબ આપતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ મુલાકાતથી ભારત અને અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે એટલું જ નહીં પરંતુ જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે પણ જોડાણ વધુ ગાઢ બની શકશે.
નવી દિલ્હીથી યુએસ જવા રવાના થતા પૂર્વે પીએમ મોદીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેઓની આ મુલાકાતના છેલ્લા દિવસે તેઓ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરશે. તેમના સંબોધનમાં કોરોના મહામારી સહિતના વૈશ્વિક પડકારો મહત્વના મુદ્દા રહેશે. આ ઉપરાંત આતંકવાદ પર અંકુશ, જળવાયુ પરિવર્તન અને અન્ય મુદ્દાઓને પણ તેઓ વૈશ્વિક મંચ પર ઉજાગર કરશે.

તેઓ આ પ્રવાસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. બેઠકમાં સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે સહયોગને લઈને ચર્ચા કરવામાં આવશે. પ્રવાસમાં પીએમ મોદી પ્રેસિડેન્ટ બાઇડેન સાથે દ્વિપક્ષીય વાટાઘાટ ઉપરાંત, ૨૪ સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં યોજાનારા ક્વોડ નેતાઓના સમિટમાં હાજરી આપશે જેમાં યુએસ રાષ્ટ્રપતિ ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હાજર રહેશે. ત્યારપછીના દિવસે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીના ૭૬મા સત્રને સંબોધશે.

વડાપ્રધાને ફ્લાઈટમાં પણ આરામને ફરમાવવાને બદલે કામ કર્યું!!
પ્લેનમાં ફાઈલો ચેક કરતા મોદીની તસવીર વાઈરલ થઈ છે. અમેરિકાની લાંબી મુસાફરી દરમિયાન મોદીએ આરામ ફરમાવવાને બદલે કામ કર્યું હતું. તેઓ ફાઈલોને ચેક કરી રહ્યા છે. તેમની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. લોકો તેમની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.
modi usa 2

વોશિંગટન ડીસીમાં વડાપ્રધાનને ઉષ્માભેર આવકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમેરિકાના વોશિંગટન ડીસી શહેરમાં પોતાના ખાસ પ્લેન મારફત પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા તે વેળાએ વડાપ્રધાનનું ત્યાંના ભારતિય સમુદાયે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા

પ્રથમ દિવસે જ મોદીની ચાર દિગ્જજ કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત

પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં પાંચ દિગ્ગજ અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓને મળશે. જેમાં અમેરિકન કંપની ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો આર એમોન, એડોબના શાંતનુ નારાયણ, ફર્સ્ટ સોલરના માર્ક વિડમર, જનરલ એટોમિક્સના વિવેક લાલ, બ્લેકસ્ટોનના સ્ટીફન એ. શ્વાર્ઝમેનનો સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ભારત અને અમેરિકા વચ્ચે વ્યવસાયિક સંભાવનાઓ વિકસાવવાની વાત કરવાના છે.

યુએનમાં મોદી પર્યાવરણનો મુદ્દો પણ ઉઠાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતમાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં સંબોધનનો સમાવેશ થાય છે. જેમાં તેઓ પર્યાવરણનો મુદ્દો પણ ઉઠાવવાના છે. આજે ઉદ્યોગિકરણ પણ જરૂરી છે. તેવામાં પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડીને ઉદ્યોગિકરણને કેમ વેગ આપી શકાય તે સહિતના મુદાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ રહી છે.

modi usa 3

અફઘાન અને ચીન વિશે પણ કવાડ જૂથની બેઠકમાં થશે ચર્ચા

અફઘાનનો પ્રશ્ન ઘેરો બની રહ્યો છે. બીજી તરફ અફઘાને યુએનનું સભ્યપદ પણ માંગ્યુ છે. ત્યારે આ મુદ્દે મોદી બાઇડન સાથે ચર્ચા કરવાના છે. સાથે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીની ડ્રેગનના વધતા પ્રભુત્વને રોકવા માટે વડાપ્રધાન મોદી અમેરિકામાં ક્વાડ જૂથની બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠકમાં મોદી ઉપરાંત અમેરિકન પ્રમુખ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા વચ્ચે વ્હાઈટ હાઉસમાં પહેલી વખત વ્યક્તિગતરૂપે ભાગ લેશે.

માનવામાં આવે છે કે આ નેતાઓ ચીન વિરુદ્ધ તેમના સંશાધનોને  એકત્ર કરી એકબીજાની મદદ કરવા પર ચર્ચા કરશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત કોરોના રસી અંગે એક મહાડીલ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ક્વાડની બેઠકમાં ચીની ડ્રેગનને ચારે બાજુથી ઘેરવાની રણનીતિ બની શકે છે. ક્વાડ જૂથમાં સામેલ ચારેય દેશો હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની આક્રમક્તા પર લગામ મૂકી શકાય તે માટે તેમના નૌકાદળનો વિસ્તાર કરશે તેમ મનાય છે.

વેકસીનનું ઇન્ટરનેશનલ સર્ટી ઇસ્યુ કરવા મોદી હિમાયત કરશે

હાલ તમામ દેશો પોત પોતાની રીતે રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે એક દેશ બીજા દેશની રસીને માન્યતા ન આપતો હોવાના પણ પ્રશ્ન સર્જાયા છે. જેને પગલે રસી લેનારા લોકોને બીજા દેશમાં પ્રવેશ ન મળતો હોવાના પણ ભૂતકાળમાં બનાવ બન્યા છે. આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં મુશ્કેલી ન થાય તે માટે વેકસીનનું ઇન્ટરનેશનલ સર્ટી ઇસ્યુ કરવા મોદી બાઇડન સમક્ષ હિમાયત કરવાના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે તેઓ કોવિડ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવાના હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.