પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા ખાલી પડેલી સરકારી કચેરીઓ અને આવાસોનો ઉપયોગ કરવા વડાપ્રધાન મોદીનો મંત્રાલયોને આદેશ
શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને વિસ્તારી ઝડપી કામ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઉસીંગ મંત્રાલયને કહ્યું છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં ગામડાઓમાં બે કરોડ અને શહેરોમાં ૧ કરોડ ‘ઘરના ઘર’ બનાવવા મોદી સરકારે લક્ષ્યાંક સેવ્યો છે જેને સાકાર કરવા પીએમ મોદીએ ગ્રામ્ય વિસ્તારના જમીન વિહોણા પરીવારને ડિસેમ્બર સુધીમાં જમીન ફાળવવા અલ્ટીમેટમ આપ્યું છે.
તાજેતરમાં આંતરમાળખાકીય ક્ષેત્રે કામગીરીની રીવ્યુ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજના પર ભાર મુકતા જણાવ્યું હતું કે, જમીન વિહોણાઓને જમીન મળે અને આ માટે જેટલી જેટલી સરકારી કચેરીઓ કે આવાસો ખાલી પડયા છે તેનો ઉપયોગ થાય. જે લોકોને છતનો આશરો નથી તેવા લોકોને અગ્રીમતા અપાય અને સરકારી ખાલી પડેલી જમીનો તેમને અપાય.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ડિસેમ્બર માસ સુધીમાં ૩.૯૪ લાખ પરીવારોને જમીનની ફાળવણી કરી દેવા પીએમે ગ્રામ્ય વિકાસ મંત્રાલયને આદેશ કર્યો છે અને જણાવ્યું છે કે, જે લોકો પાસે જમીન છે પરંતુ મકાન બાંધવા નાણા નથી માત્ર તેવા લોકોને જ નાણાકીય સહાય પુરી પાડવામાં આવે.
આ બેઠકમાં હાજર શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું કે, શહેરોમાં ૧.૧ કરોડ ઘરોના નિર્માણ માટે મોડલ ટેન્નર એકટ લાગુ થશે જે ઓકટોબર માસ સુધીમાં અમલમાં આવી જશે કે જે ભાડુઆત અને ઘરમાલિક એમ બંનેના હિતોનું રક્ષણ કરશે.