કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ‘ડિલિવરિંગ ડેમોક્રેસી : સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દાયકા’ વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય ગોષ્ઠિનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે “ડિલિવરિંગ ડેમોક્રેસી: સરકારના વડા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દાયકા” વિષય પર રામભાઉ મ્હાલગી પ્રબોધિનીના તત્વાધાનમાં ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ-ગોષ્ઠિનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ભારતની જનતા સૌથી સારી રીતે જાણે છે અને તેમના વિચારો, કામ અને એમની સિદ્ધિઓના આધારે જાણે છે. અમિત શાહે કહ્યું કે એક નાનકડો શબ્દ, ડિલિવરિંગ ડેમોક્રેસીમાં ભારતની જનતાની 75 વર્ષો સુધી જે આશાઓ હતી, એને સમાવી લેવામાં આવી છે.

જ્યારે દેશ આઝાદ થયો અને આપણી બંધારણ સભા બની અને તેણે બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થાને સ્વીકારી હતી અને એ એક યોગ્ય નિર્ણય હતો. પરંતુ 60ના દાયકાના ઉત્તરાર્ધમાં અને વર્ષ 2014 સુધી દેશની જનતાના મનમાં એક બહુ મોટો સવાલ આવી ગયો હતો કે શું આ બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થા સફળ થઈ શકશે. વર્ષ 2014 સુધી રામરાજ્ય કે કલ્યાણરાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઈ ચૂકી હતી.

જનતાના મનમાં એક આશંકા આવી ગઈ હતી કે ક્યાંક આપણી લોકતાંત્રિક સંસદીય વયવસ્થા નિષ્ફળ તો નથી ગઈ ને, તે પરિણામ આપતી નથી અને આગળ શું અને કઈ રીતે થશે. પરંતુ ભારતની જનતા બહુ ધીરજવાન છે કેમ કે ઘણી વસ્તુઓને સહન કરતા કરતા એક રાષ્ટ્ર તરીકે આપણે આજે અહીં સુધી પહોંચ્યા છીએ. બહુ ધીરજપૂર્વક જનતાએ નિર્ણય આપ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને 30 વર્ષો બાદ પૂર્ણ બહુમતી સાથે આ દેશનું શાસન સોંપ્યું.

અમિત શાહે કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રાથમિક શાળા શિક્ષણમાં એનરોલમેન્ટ લગભગ 67 ટકા અને ડ્રોપ આઉટ દર લગભગ 37 ટકા હતો. તેમના પ્રયાસોથી એનરોલમેન્ટ તો સો ટકા થઈ ગયું પણ ડ્રોપ આઉટ દર ઓછો કરવા માટે પણ તેમણે પ્રયાસો કર્યા અને આ દરને 0 થી 1ની વચ્ચે લાવવાનું કામ કર્યું. આ રીતે તેમના પ્રયાસોને કારણે જ દેશમાં સૌથી પહેલા 24 કલાક વીજળી મળવાની ગુજરાતમાં શરૂ થઈ અને વીજળી મળતા જ ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું અને ગામડાંઓમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું. તેમણે કહ્યું કે કૃષિને વિકાસની સાથે જોડવું જોઇએ ત્યારે જ વિકાસ પરિપૂર્ણ થાય છે અને આપણા દેશમાં રોજગારનું સૌથી મોટું માધ્યમ આજે પણ કૃષિ જ છે અને દેશની 70 ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે.

નરેન્દ્ર મોદીએ કૃષિની સમસ્યાઓને ઉકેલવા માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો અને ગુજરાતના 19000 ગામોમાં સરકાર જાતે પહોંચીને ખેડૂતોને જે પણ જોઇતું હતું એ ઉપલબ્ધ કરાવ્યું અને પરિણામે ગુજરાતે દસ વર્ષ સુધી સરેરાશ દસ ટકા કૃષિ વિકાસ દર હાંસલ કર્યો.કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદી સરકારના નિર્ણયોનાં બે જ મુખ્ય કેન્દ્રબિંદુ છે, એક ભારતની ગરીબમાં ગરીબ વ્યક્તિ અને નાગરિક અને બીજું બાકીની તમામ નીતિઓનું કેન્દ્રબિંદુ ભારત. ગૃહ મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ઘણા બધા નિર્ણયો કઠોરતાથી લીધા જેમ કે નોટબંધીનો નિર્ણય. તેમણે કહ્યું કે ઘણાં બધાં લોકો એની વિરુદ્ધ હતાં પણ મોદીજીએ બેધક આ નિર્ણય લીધો જેથી સમગ્ર દેશને ઈ પેમેન્ટ તરફ લઈ જવાય અને કાળાં નાણાંને સમાપ્ત કરાય. તેમણે કહ્યું કે જનતા આમાં પ્રધાનમંત્રીની સાથે ઊભી રહી કેમ કે એમાં મોદીજીનો કોઇ સ્વાર્થ ન હતો. ત્યારબાદ ટ્રિપલ તલાકનો નિર્ણય લીધો.

રાજીવ ગાંધી સરકારે આના પર નિર્ણય લીધો અને પછી પલટી નાખ્યો પણ મોદીજીએ ટ્રિપલ તલાક પર નિર્ણય પણ લીધો, એના પર અડગ રહ્યા અને આજે દેશની કરોડો મુસ્લિમ મહિલાઓને અધિકાર આપવાનું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે સાથે જ મોદી સરકારે વન રેંક વન પેન્શનનો સંવેદનશીલ નિર્ણય પણ લીધો. તેમણે કહ્યું કે જે માઇનસ 45 થી 45 ડિગ્રી તાપમાનમાં દેશની સરહદોની રક્ષા કરે છે એમના પરિવારને સુરક્ષિત કરવા એ રાજ્ય, સરકાર અને શાસનની જવાબદારી છે.

સરકારે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનો પણ નિર્ણય લીધો. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 2019માં મોદીજીને મેન્ડેટ મળ્યો અને 5 ઑગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35 એ સમાપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. તેમણે કહ્યું કે સૌને સાથે લઈને અને સમગ્ર દેશમાં કોઇ પણ રમખાણો વગર શ્રી રામ જન્મભૂમિના નિર્માણનો નિર્ણય લેવાયો અને આજે મંદિર નિર્માણનું કામ ચાલુ છે. અમિત શાહે કહ્યું કે મોદીજીએ વિશ્વ પટલ પર ભારતીય સંસ્કૃતિના અગ્રદૂત બનીને યોગ દિવસ માટે 177 દેશોની સહમતિ મેળવીને આજે આપણા યોગ અને આયુર્વેદને દુનિયાભરમાં પહોંચાડવાનું કાર્ય કર્યું છે.

તેમણે કહ્યું કે આઝાદી બાદ ભારતની સંસ્કૃતિના ધ્વજવાહક બનીને જો કોઇએ સંયુક્ત રાષ્ટ્રોમાં ભાષણ આપ્યું છે તો એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે. પર્યાવરણ સંરક્ષણના આપણા વેદો અને ઉપનિષદોના સંદેશને મોદીજીએ વિશ્વ ફલક પર મૂક્યો અને પેરિસ જળવાયુ સંમેલનમાં સમગ્ર વિશ્વએ ભારતની આગેવાનીનો સ્વીકાર કર્યો જેના પરિણામ સ્વરૂપે ગુરુગ્રામમાં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ આવ્યું.ગૃહ મંત્રીએ કહ્યું કે આરોગ્ય નીતિમાં ધરમૂળ પરિવર્તન થઈ રહ્યું છે જેનાથી સૌથી નીચલા સ્તરે આરોગ્ય સુવિધાઓ પહોંચી શકે. તેમણે કહ્યું કે જળશક્તિ માટે પણ કામ થઈ રહ્યું છે અને એ માટે એક મંત્રાલય પણ બનાવાયું છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા માટે અનેક પગલાં લેવાયાં છે. જીઈએમના માધ્યમથી સરકારી ખરીદી થવાથી આ પ્રક્રિયા લગભગ પૂર્ણત: ભ્રષ્ટાચાર વિહિન થઈ ગઈ છે અને એનો વ્યાપ પણ વધી રહ્યો છે. અમિત શાહે કહ્યું કે મોદીજીએ યુપીઆઇના માધ્યમથી આત્મનિર્ભર ભારતની દિશામાં એક બહુ મોટું કામ કર્યું છે અને કરોડો લોકો એની સાથે જોડાયાં છે. પ્રધાનમંત્રીએ સરકારી કર્મચારીઓ માટે મિશન કર્મયોગી શરૂ કર્યું છે જેનાથી તેઓ દેશ નિર્માણમાં વધુ સારું યોગદાન આપી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.