તમામ રાજ્યોમાં આર્થિક પછાત વર્ગને અનામત આપવા અંગેની યોજનાની પરિસ્થિતિનું સરવૈયું કરાવતા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ શિક્ષા ક્ષેત્રમાં અનામતની માંગ અંગે સમીક્ષા કરી છે. વડાપ્રધાને આ દરમિયાન આર્થિક પછાત વર્ગ(ઇડબ્લ્યુએસ)ને પણ તાત્કાલિક અનામત આપવાની વાત મૂકી છે. સોમવારે સાંજે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનુસખ માંડવીયા સહીતના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
અખિલ ભારતીય ચિકિત્સા ક્ષેત્રમાં ઓબીસીને અનામત આપવાની માંગ ઉઠવા પામી છે. મામલામાં દેશની અનેક ન્યાયપાલિકાઓમાં અરજીઓ પણ થઈ છે જો કે, હાલ સુધી આ મામલામાં ન્યાયતંત્રે કોઈ નિર્ણય આપ્યો નથી.
રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કોલેજોમાં યુ.જી. હેઠળ ૧૫% અને પી.જી. હેઠળ ૫૦% બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ આવે છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપવામાં આવે છે પરંતુ આર્થિક પછાત ઓબીસીને અનામત આપવામાં આવતું નથી. જેથી ઓબીસી વર્ગને પણ અનામત આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
સૂત્રો તરફે મળતી માહિતી મુજબ વડાપ્રધાને બેઠકમાં ઈચ્છા વ્યક્ત કરી છે કે, મેડિકલ અભ્યાસમાં ઓબીસીને અનામત આપવાના મુદ્દાની ચર્ચા મંત્રાલયમાં કરવામાં આવે અને આ મુદ્દાનો ઉકેલ કોર્ટની બહાર જ પ્રાથમિકતાના ધોરણે આવવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આર્થિક રીતે પછાત વર્ગને અનામત આપવાની વાત બેઠકમાં કરી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાને અલગ-અલગ રાજ્યોમાં મેડિકલ અભ્યાસમાં ઇડબ્લ્યુએસ અનામતની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે. વડાપ્રધાને આરોગ્ય મંત્રાલયને આદેશ આપ્યો છે કે, તેઓ તમામ રાજ્ય સરકારો પાસેથી વિગતો એકત્રિત કરે કે, તેમના રાજ્યમાં ઇડબ્લ્યુએસ વર્ગને અનામત આપવાની યોજનાની શું સ્થિતિ છે.
સંભવતઃ આ માહિતી એકત્રિત કર્યા બાદ અધિકારીઓ રિપોર્ટ વડાપ્રધાનને સોંપશે અને ત્યારબાદ વડાપ્રધાન મેડિકલ અભ્યાસમાં આર્થિક રીતે પછાત વર્ગનો પણ અનામતના દાયરામાં સમાવેશ કરે તો નવાઈ નહીં.