એક નવા નિયમથી ફાયદા અનેક : રોજગારી વધશે, પ્રદુષણ ઘટશે, ઓટોમોબાઈલ ક્ષેત્ર ધમધમશે અને ટ્રાફિક હળવો થશે
અબતક, નવી દિલ્હી : નવી સ્ક્રેપ પોલિસીથી દેશને ખરા અર્થમાં વાયબ્રન્ટ બનાવવા મોદી સરકારનો વ્યૂહ છે. આ એક નવા નિયમથી દેશમાં રોજગારી વધશે, પ્રદુષણ ઘટશે, ઓટોમોબાઈલ ક્ષેત્ર ધમધમશે અને ટ્રાફિક હળવો બનવા સહિતની અનેકવિધ ફાયદાઓ થશે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતેથી વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાયા બાદ મોદીએ સ્ક્રેપ પોલિસીમાં મહત્ત્વની જાહેરાત કરી હતી કે જે વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે.
દેશમાં નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસી લૉન્ચ થઈ રહી છે. આ પોલિસી નવા ભારતની મોબિલિટીને, ઑટો સેક્ટરને નવી ઓળખ મળશે. દેશમાં વધી રહેલા વાહનોના આધુનિકીકરણ અને જે વાહનો ફિટ નથી તેને વૈજ્ઞાનિકઢબે રસ્તા પરથી હટાવવા માટે આ પોલિસી મોટી ભૂમિકા ભજવશે. જે ગતિશીલતામાં આવેલી આધુનિકતા, ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટેશનનો બોજો હળવો કરે છે. સાથે-સાથે આર્થિક વિકાસ માટે પણ મદદરૂપ સાબિત થાય છે. આ પોલિસી દેશના શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવું અને પર્યાવરણની સુરક્ષા સાથે ઝડપી વિકાસના વચનને દર્શાવે છે.
સૌપ્રથમ લાભ એ થશે કે જૂની ગાડીને સ્ક્રેપ કરતા એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેને નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઈ પૈસા આપવા પડશે નહીં. આ સાથે જ તેને રોડ ટેક્સમાં પણ કેટલીક છૂટ મળશે. બીજો લાભ એ થશે કે જૂની ગાડીની જાળવણીની કિંમત, રિપેરિંગની કિંમત, બળતણની કાર્યક્ષમતામાં બચત થશે. જ્યારે ત્રીજો લાભ જીવન સાથે જોડાયેલો છે. જૂની ગાડીઓ, જૂની ટેક્નોલોજીના કારણે રોડ અકસ્માતનો ખતરો વધારે રહેલો છે. જેમાંથી મુક્તિ મળશે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણની જે અસર પડે છે તેમાં ઘટાડો થશે.
આ ઉપરાંત જે લોકોનો પરચેસ પાવર નથી છતાં તે ખૂબ જૂના વાહનો ખરીદી કરે છે. તે હવે નહિ કરી શકે એટલે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. તદઉપરાંત નવા વાહનોની ખરીદીનું પ્રમાણ પણ વધશે. જેથી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં તેજી આવશે અને રોજગારીનું પ્રમાણ પણ ખૂબ વધશે.