સંસદ ભવનના પાર્લામેન્ટ લાયબ્રેરીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં હાલમાં જ બે રાજ્યોમાં મળેલી જીત બાદ મુખ્યમંત્રીના નામ નક્કી કરવા અંગે ચર્ચા થઈ. બેઠકમાં પીએમ મોદી ભાવુક થયા હતા અને આ જીતને મોટી જીત ગણાવી હતી. આ અવસરે અમિત શાહે, વડાપ્રધાન મોદીને લાડુ ખવડાવીને જીતના અભિનંદન આપ્યાં હતા. તો સંસદીય મંત્રી અનંત કુમારે ગુજરાત-હિમાચલની જીત માટે પીએમ મોદી અને અધ્યક્ષ અમિત શાહનું અભિવાદન કર્યુ હતું.
આ બેઠકમાં કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી કૃષ્ણા રાજની તબિયત લથડી છે. તેઓને અચાનક જ ચક્કર આવતાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના વિજયને મોટી જીત ગણાવતાં પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. સાથે જ આ જીતનો શ્રેય અમિત શાહને આપ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, હવે આપણી સરકાર દેશના ૧૯ રાજ્યોમાં છે. ઈન્દિરા ગાંધી જ્યારે સત્તામાં હતા ત્યારે તેમની સરકાર દેશના ૧૮ રાજ્યોમાં હતી. તે સમયે આપણી પાર્ટીની માત્ર ૨ જ સીટ હતી. અથાગ મહેનતથી આપણે અહીં પહોંચ્વામાં સફળ રહ્યાં છીએ. પીએમ મોદીએ સાંસદોને સલાહ આપતાં કહ્યું કે, સાંસદોએ જનતા સાથે સંપર્ક જાળવી રાખવો પડશે અને અથાગ મહેનત કરવી પડશે.