આજે ભારત વિશ્વમાં મંદી, ખાદ્ય સુરક્ષા, મોંઘવારી, સામાજિક તણાવ જેવી સમસ્યાઓના ઉકેલો આપી રહ્યું છે, વિશ્વની આર્થિક વૃદ્ધિ, તકનીકી પ્રગતિ અને માનવ વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યુ છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ફરી પ્રશ્ન કર્યો છે કે, જ્યારે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને સૌથી મોટો લોકતંત્ર તેનો કાયમી સભ્ય નથી ત્યારે આ સંસ્થા વિશ્વ માટે બોલવાનો દાવો કેવી રીતે કરી શકે? તેમણે કહ્યું કે, ભારતને તેનું યોગ્ય સ્થાન પાછું મેળવવાની જરૂર છે, કારણ કે આ મુદ્દો માત્ર યુએનની વિશ્વસનીયતાનો નથી. ગ્લોબલ સાઉથના અધિકારો લાંબા સમયથી નકારવામાં આવ્યા છે. જેના કારણે આ દેશોના લોકોમાં રોષ છે. ભારત વૈશ્વિક દક્ષિણ અને પશ્ચિમી વિશ્વ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે.
પીએમ મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે પેરિસ પહોંચ્યા હતા. અગાઉ, એક ફ્રેન્ચ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું હતું કે, પ્રાચીન સમયથી, ભારત વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, તકનીકી પ્રગતિ અને માનવ વિકાસમાં યોગદાન આપવામાં મોખરે છે. આજે ભારત વિશ્વમાં મંદી, ખાદ્ય સુરક્ષા, મોંઘવારી, સામાજિક તણાવ જેવી સમસ્યાઓના ઉકેલો આપી રહ્યું છે. આ વૈશ્વિક પૃષ્ઠભૂમિમાં, હું ભારતીયોમાં નવો આત્મવિશ્વાસ અને વિશ્વમાં તેમનું યોગ્ય સ્થાન મેળવવાની ઉત્સુકતા જોઉં છું. પીએમએ કહ્યું, ભારત વૈશ્વિક ચર્ચામાં એક અનોખો અને વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય લાવે છે. તે હંમેશા શાંતિ, વાજબી આર્થિક વ્યવસ્થા, નબળા દેશોની ચિંતાઓ અને સામાન્ય પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક એકતા માટે ઉભો રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત-ફ્રાન્સ ભાગીદારીનું લક્ષ્ય મુક્ત, ખુલ્લા, સમાવેશી, સુરક્ષિત અને સ્થિર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ વધારવાનું છે. બંને દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં મોટી શક્તિઓ છે. બંનેનો હેતુ આ ક્ષેત્રના અન્ય દેશોને પણ મદદ કરવાનો છે.પીએમ મોદીએ આમંત્રણ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો. કહ્યું, તેમની વિચારસરણી ભારત સાથે મેળ ખાય છે. તેથી, ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને લોકો-થી-લોકોના સંપર્ક જેવા ક્ષેત્રોમાં ગાઢ બની રહી છે. 2014 થી અમારો વ્યવસાય લગભગ બમણો થઈ ગયો છે.
બીજા દેશો વૃદ્ધ થઈ રહ્યા છે, ત્યારે ભારત સૌથી યુવા દેશ છે
પીએમ મોદીએ કહ્યું કે એવા સમયે જ્યારે વિશ્વના ઘણા દેશો વૃદ્ધ થઈ રહ્યા છે, ત્યારે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. યુવાનો આપણી સૌથી મજબૂત સંપત્તિ છે. આવનારા દાયકાઓમાં ભારતનું યુવા અને કુશળ વર્કફોર્સ વિશ્વ માટે એક સંપત્તિ બની રહેશે.
ભારતનો પરંપરાગત વારસો અને કળાની વિશ્વ આખું કદર કરે છે
ભારતના સોફ્ટ પાવરના સ્તંભો વિશે પૂછવામાં આવતા મોદીએ કહ્યું હતું કે યોગ, આયુર્વેદ, આધ્યાત્મિકતા, વિજ્ઞાન, ગણિત અને ખગોળશાસ્ત્ર જે ભારતની દેન છે.” અમે હંમેશા વૈશ્વિક શાંતિ અને પ્રગતિમાં યોગદાન આપતા આવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં નવેસરથી રસ જાગ્યો તે સૌભાગ્યની વાત છે. યોગ આજે ઘરગથ્થુ શબ્દ છે. આયુર્વેદની આપણી પરંપરાગત દવાને સ્વીકૃતિ મળી રહી છે. ભારતીય સિનેમા, ભોજન, સંગીત અને નૃત્યની સમગ્ર વિશ્વમાં માંગ છે.
મોદીને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘લિજન ઑફ ઓનર’ અપાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફ્રાન્સમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘લિજન ઑફ ઓનર’ એનાયત કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વડાપ્રધાન બન્યા છે. આ સન્માન વિશ્વભરમાંથી માત્ર અમુક પસંદગીની વ્યક્તિઓને જ આપવામાં આવ્યું છે. આ પહેલા ફ્રાંસ પહોંચતા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાંસ પહોંચતા પીએમ એલિઝાબેથ બોર્ને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું અને બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા.
ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર એલિસી પેલેસમાં તેમના સન્માનમાં ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં પીએમ મોદીની યજમાની કરી હતી.