કોરોના વાયરસનાં કારણે ફેલાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી મૂકત થવા દરેક દેશની સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
‘જટ કોરોના રસી લઈને મહામારીમાંથી ઉગરીએ’ તેવા દ્રષ્ટિકોણ સાથે મોટાભાગના દેશોમાં ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભારતમાં આગામી ૧૬મી જાન્યુઆરીથી મહારસીકરણ અભિયાન શરૂ થવાનું છે. જેમાં દેશના તમામ હેલ્થવર્કરો અને ૫૦ વર્ષથી વધુ વયના જરૂરીયાતમંદ લોકોને રસીનાં ડોઝ માટે પ્રાથમિકતા અપાશે જેની સંખ્યા ૩ કરોડ છે. આથી કોરોના રસી લેવા માટે કુદીને ઠેકડો મારી વચ્ચે ન પડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય પક્ષો અને તમામ નેતાઓને ટકોર કરી છે. આ બાબતે ધ્યાન રાખવા રાજય સરકારોને ખાસ સુચનો અપાયા છે. પ્રથમ તબકકામાં માત્ર ૩ કરોડ લોકો પર જ ખાસ ધ્યાન અપાયું છે. આથીઆ નિર્ધારીત લાઈનમાં વચ્ચે ન પડી નિયમોનું પાલન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકો અને રાજ્ય સરકારોની કોરોના વિરુદ્ધની લડતમાં કામગીરીની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજી રસીકરણની તૈયારીઓની સમીક્ષા કરી હતી.