કોરોનાના કારણે એક વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ઓફલાઇન કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ચોમાસુ સત્રમાં મોંઘવારી મુદ્દે તોફાન ન મચે તેની તૈયારીઓના ભાગ રૂપે મહત્વના નિર્ણય લેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાના આજે સવારે 11 વાગ્યે એક વર્ષ બાદ કેબિનેટની ઓફલાઇન બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઈને બેસેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક કેન્દ્ર સરકારે હટાવી લીધી છે. અને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે.
મોંઘવારી ભથ્થા પરની રોક હટાવાય: ભથ્થું વધારીને 28% કરાયું
કોરોનાને કારણે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએ અને પૂર્વ કર્મચારીઓના મોંઘવારી રાહત પર રોક લગાવી દીધી હતી. આજે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકાર દ્વારા ડીએ વધારી દેવામાં આવતાં કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરથી મોટી સેલરી આવવાની આશા છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કર્મચારીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય
કોરોનાને કારણથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનકર્મીઓ માટે એક જાન્યુઆરી 2020, એક જુલાઈ 2020 અને એક જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તા પર રોક લગાવી દીધી હતી. જો કે હવે સરકારે તેઓને રાહત આપી છે. જેનાથી 50 લાખથી વધારે કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે ગત વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઓફલાઇન બેઠક યોજાઇ હતી. બાદમાં કોરોનાનું જોર વધતા ઓફલાઇન બેઠક યોજવાનું માંડી વાળવામાં આવ્યું હતું. જોકે કેન્દ્રીય મંત્રીમંડળ, લોકડાઉન દરમિયાન લગભગ દરેક અઠવાડિયામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિયમિત મીટિંગ કરતું હતું.