પુતીનનો ભારત પ્રવાસ પાવર ગેમમાં સરકારની અગ્નિ પરીક્ષા કરાવશે
સર્વોપરિતા માટે અમેરિકા અને રશિયા વચ્ચેની હરિફાઈમાં ભારતના ફુંકી ફુંકીને પગલા
રશિયાના રાષ્ટ્રપતિ પુતીનનો ભારત પ્રવાસ આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર ગેમમાં મોદી સરકારની અગ્નિ પરીક્ષા કરી રહ્યો છે. અમેરિકા અને રશિયા સાથે સંબંધો રાખવામાં મોદી નટચાલ ચાલી રહ્યાં છે. બંને પક્ષે સંબંધોનું સમતોલન જાળવવા સરકાર ફુંકી ફુંકીને પગલા ભરી રહી છે.
ભારત સમક્ષ એક તરફ પારંપરિક મિત્ર રશિયા છે તો બીજી તરફ જગત જમાદાર અમેરિકા સાથે સંબંધો સુમેળભર્યા રાખવાની ચેલેન્જ છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દિવંગત વડાપ્રધાન નહે સમયથી સારા રહ્યા છે જે અમેરિકાના પેટમાં તેલ રેડી રહ્યું છે. પરીણામે અમેરિકા ભુતકાળમાં પાકિસ્તાનના ટુકડા સમયે ભારતને દબાવવાનો પ્રયાસ પણ કરી ચુકયું છે. વર્તમાન સમયમાં પણ અમેરિકાને ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો આંખમાં કણાની જેમ ખટકી રહ્યાં છે. ઈરાન ઉપર પ્રતિબંધો મુકી દેવાયા છે અને ભારતને પણ સંબંધો આગળ ન વધારવા કહેવામાં આવી રહ્યું છે. સર્વોપરિતાની લડાઈમાં સમતોલન રાખવુ ભારત સરકાર માટે ઘણા અંગે કપરું બન્યું છે.
રશિયામાં બનેલી લાંબા અંતરની એસ-૪૦૦ ટ્રીમ્ફ એર સિસ્ટમ ખરીદવા માટે ભારત તૈયારીઓ કરી ચુકયું છે. ભારત અને રશિયા વચ્ચેનો આ સોદો અમેરિકા સાથે વિવાદનું કારણ ન બની જાય તેવું સુનિશ્ચીત કરવું મોદી સરકાર માટે જરી છે. થોડા સમય પહેલા નવી દિલ્હી ખાતે ‘ટુ પ્લસ ટુ’ બેઠકમાં અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયો અને સંરક્ષણ મંત્રી જીમ મેટીસ સાથે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમનની બેઠક થઈ હતી. જેમાં ભારતને રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ન ખરીદવા અડકતનું દબાણ કરાયું હોવાનું પણ જાણવા મળે છે.
રશિયન શસ્ત્રો ભારતીય સેનાની ત્રણેય પાંખોમાં વર્ષોથી મહત્ત્વની ભૂમિકા ભજવતા આવ્યાં છે પરંતુ હવે અમેરિકાનો આગ્રહ છે કે ભારત રશિયા પાસેથી હથિયારોની ખરીદી સીમિત કરીને વૈકલ્પિક રસ્તા શોધે એ સંજોગોમાં ભારતે પોતાની નીતિઓને વળગી રહેવાની જરૂર છે. છેલ્લા ઘણાં સમયથી અમેરિકા ભારતને રશિયા સાથેના સંબંધોમાં કાપ મૂકવા દબાણ કરી રહ્યું છે.
રશિયામાં નિર્માણ થયેલા હથિયારોનો ઉપયોગ ભારતીય સેનાની ત્રણેય પાંખોમાં વ્યાપક રીતે થઇ રહ્યો છે. વાત માત્ર હથિયારો પૂરતી જ સીમિત નથી પરંતુ હથિયારોના સ્પેરપાર્ટ્સ, સર્વિસિંગ અને ટેકનિકલ મદદ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત પોતાની રક્ષા સંબંધી ખરીદીમાં વિવિધતા લાવે અને રશિયા પાસેથી હથિયારો ખરીદવાનું ઓછું કરે. ૧૯૬૦ના દશકથી જ રશિયા ભારતની હથિયાર અને સુરક્ષા સંબંધી નાનીમોટી જરૃરિયાતો પૂરી કરતું આવ્યું છે.
કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્ઝરિઝ થૂ્ર સેન્ક્શન્સ એક્ટ (ઈઅઅઝજઅ) નામના અમેરિકાના કાયદા અનુસાર રશિયા સાથે મોટો રક્ષા સંબંધી સોદો કરતા દેશ ઉપર અમેરિકી પ્રતિબંધ લગાવવાની જોગવાઇ છે. અમેરિકા આ કાયદા અંતર્ગત જ દબાણ સર્જીને ભારતને રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકાવવા માંગે છે.
અમેરિકાની વાત માનવાનું તત્કાળ પરિણામ એ આવી શકે છે કે ભારતે રશિયા પાસેથી જે એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદવાની છે એ સોદો મુશ્કેલીમાં આવી જાય. એ સિવાય ફ્રિગેટ્સ અને સૈન્ય હેલિકોપ્ટરની ખરીદી પણ અટવાઇ પડે એમ છે. જોકે આ મોટા સોદાઓ ઉપરાંત અમેરિકી કાયદો રશિયા પાસેથી હથિયારોના સ્પેરપાર્ટ્સ ખરીદવા ઉપર પણ પ્રતિબંધ મૂકે છે.
જો એવું થાય તો ભારતના ૬૦થી ૭૦ ટકા જેટલા સુરક્ષા ઉપકરણોની સાચવણી અને ઉપયોગ જ મુસીબતમાં આવી જાય એમ છે. તાજેતરના વર્ષોમાં ભારત અમેરિકાનું મહત્ત્વનું વ્યૂહાત્મક ભાગીદાર બન્યું છે. એ સંજોગોમાં ભારત માટે રશિયા સાથે ૩૦ હજાર કરોડનો સુરક્ષા સોદો પાર પાડવો આસાન નહીં હોય. ભારત આ પ્રસ્તાવિત ડીલ માટે રશિયા પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર અને કીંમતમાં ઘટાડાની માંગ કરી રહ્યું છે.
જો ભારત અમેરિકાના પક્ષમાં ઊભું રહે તો એશિયામાં કોઇ બીજો મજબૂત સાથીદાર ન મળતા રશિયા ચીન તરફ વળી શકે છે. તો રશિયા સાથે ઊભા રહેવાનો અર્થ છે અમેરિકા તેમજ યુરોપના મિત્રદેશો વિરુદ્ધ ઊભા રહેવું. એ સંજોગોમાં ભારત માટે મહત્ત્વનું બની રહેવાનું છે કે તે કેવી રીતે રસ્તો કાઢે છે. જોકે આ કપરા સંજોગોમાં પણ ભારત માટે એક હકારાત્મક બાબત એ છે કે ઉભરી રહેલી વૈશ્વિક તાકાત તરીકે અમેરિકા કે રશિયા કે યુરોપ ભારતની અવગણના કરી શકે એમ નથી.
ખાસ કરીને ભારતના વિશાળ બજારની ઉપેક્ષા અમેરિકા, રશિયા કે યુરોપ કરી શકે એમ નથી. એ સંજોગોમાં એવી આશા રહે છે કે શીતયુદ્ધ જેવી કઠિન પરિસ્થિતિમાં પણ ભારત સંબંધોનું બેલેન્સ જાળવી શકશે. બીજી તરફ અમેરિકાનો ઇતિહાસ કહે છે કે તે બહુ વિશ્વાસપાત્ર સાથીદાર નથી. અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે. ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે.
એ સંજોગોમાં ભારત પાસે બે જ વિકલ્પ છે, કાં તો અમેરિકાના દબાણમાં આવીને રશિયા સાથેના સુરક્ષા સોદાઓ સીમિત કરી દે અથવા તો અમેરિકાને સ્પષ્ટ જણાવી દે કે વ્યૂહાત્મક બાબતોમાં ભારતની પોતાની અલાયદી નીતિઓ છે અને એના ભોગે અમેરિકા સાથે સંબંધ રાખવાનું ભારતને પાલવે એમ નથી.
મોદી અને પૂતીન વચ્ચે ડીનર પે ચર્ચા
બે દિવસના ભારત પ્રવાસ પર દિલ્હી પહોંચેલા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારના રોજ વડાપ્રધાન મોદી સાથે તેમના નિવાસસ્થાન પર ડિનર લીધુ. વડાપ્રધાને ટ્વિટ કરીને રાષ્ટ્રપ્રમુખ પુતિનનું સ્વાગત કર્યુ. વડાપ્રધાને લખ્યું કે, ભારતમાં તમારુ સ્વાગત છે રાષ્ટ્રપ્રમુખ પુતિન, દ્વીપક્ષીય વાતચીત માટે હું ઉત્સુક છુ, જે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાને વધારશે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન વચ્ચે દ્વીપક્ષીય ચર્ચા થવા જઈ રહી છે. આ દરમિયાન મહત્વકાંક્ષી જ-૪૦૦ ડીલ પર સમજૂતી થવાની સંભાવના છે. જ-૪૦૦ રશિયાની પહેલી એવી મિસાઈલ સિસ્ટમ છે, જેને તૈનાત કરીને ભારત ચીનને લગતી ૪૦૦૦ કિલોમીટર લાંબી સીમા પર નજર રાખી શકશે.
આ દરમિયાન બન્ને નેતા ઈરાન પર અમેરિકાના પ્રતિબંધને કારણે કાચા તેલની સ્થિતિ સહિત અને ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પણ ચર્ચા કરી શકે છે. ૧૯મા ભારત-રશિયા શિખર સંમેલન દરમિયાન મોદી-પુતિન રશિયન ડિફેન્સ કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધની પૃષ્ટભૂમિમાં દ્વિપક્ષીય રક્ષા સંબંધોની પણ સમીક્ષા કરી શકે છે.
ડિફેન્સ એગ્રીમેન્ટ્સની સાથે ભારત અને રશિયા વચ્ચે સ્પેસ કો-ઓપરેશન મિકેનિઝમ પર પણ કરાર થઈ શકે છે. વડાપ્રધાન મોદી તરફથી ૨૦૨૨માં ચંદ્રમાં માણસનો મોકલવાના મિશનની જાહેરાત કર્યા પછી આ કરાર મહત્વપૂર્ણ ગણાશે.