મહાત્મા ગાંધી મ્યુઝિયમથી એરપોર્ટ સુધીના વડાપ્રધાનના રૂટ પર રોડની બંને સાઈટ લોકો નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા ઉભા રહી ગયા: મોદી…મોદી…ના નારા લાગ્યા.
રાજકોટમાં ગઈકાલે મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિતના અલગ-અલગ પ્રોજેકટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતા ત્યારે પોતાના લોકલાડિલા નેતાની એક ઝલક મેળવવા માટે સમર્થકો રાજમાર્ગો પર કલાકો સુધી ઉભા રહી ગયા હતા. રાજકોટમાં મોદીનો મીની રોડ-શો હોય તેવો માહોલ સર્જાયો હતો.
વડાપ્રધાનનું જયારે સાંજે રાજકોટમાં આગમન થયું ત્યારે પણ એરપોર્ટથી લઈ ચૌધરી હાઈસ્કુલ એટલે કે સભાસ્થળ સુધી રોડની બંને બાજુ લોકોની કતારો જોવા મળતી હતી. જાહેરસભામાં પણ હકડેઠઠ માનવ મેદની નજરે પડતી હતી. સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાને ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને ત્યાં તેઓ ૪૫ મિનિટ સુધી રોકાયા હતા.
આલ્ફેડ હાઈસ્કુલ એટલે કે મહાત્મા ગાંધી મ્યુઝિયમથી જયારે તેઓ દિલ્હી જવા માટે એરપોર્ટ તરફ રવાના થયા ત્યારે પોતાના લોકલાડીલા નેતાની એક ઝલક મેળવવા માટે રૂટ પર આવતા રોડની બંને સાઈટ જનશેલાબ ઉમટી પડયો હતો. મોદીએ પણ પોતાના સમર્થકોને નિરાશ કર્યા ન હતા અને પોતાની ગાડીમાં બેઠા-બેઠા જ હાથ હલાવી સમર્થકોનું અભિવાદન કર્યું હતું. મોદીની એક ઝલક મેળવી સમર્થકો ખુશ-ખુશાલ થઈ ગયા હતા.