રૂપીયાને મજબુતાઈ બક્ષવા આજે મોદી અહમ બેઠકમાં પાંચ પગલાની જાહેરાત કરશે
બિનજરૂરી આયાતમાં કાપ અને નિકાસ વધારવા ઉપાય અંગે વડાપ્રધાન મોદીની અઘ્યક્ષતાની બેઠકમાં ચર્ચા
ચાલુ ખાતાની ખોટ પર અંકુશ લગાવી વિદેશી મુદ્રા પ્રવાહ વધારવા પગલા લેવાશે
મોદી સરકારના નિર્ણયોની અર્થતંત્રને ૬૫ હજાર કરોડની સકારાત્મક અસરો જોવા મળે તેવી અપેક્ષા
વૈશ્વીક પરિબળોના કારણે ડોલર સામે રૂપીયાની તબિયત બગડી રહી છે. બીજી તરફ કરંટ એકાઉન્ટ ડીફીસીટ એટલે કે ચાલુ ખાતાની વધતી ખોટ અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે પડયા ઉપર પાટુ સમાન છે. આર્થિક વ્યવસ્થાની હાલની પરિસ્થિતિ અંગે મોદી સરકાર ઉપર વિરોધ પક્ષો માછલા ધોઇ રહ્યાં છે ત્યારે અર્થતંત્રની ગાડી ફરી પાટે લાવવા વડાપ્રધાન મોદી અને નાણામંત્રી અરૂણ જેટલીએ મેરેથોન દોડ લગાવી છે.
અર્થવ્યવસ્થાની હાલતની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં શુક્રવારે નિર્ણાયક બેઠક મળી હતી. જેમાં એફપીઆઇમાં જરૂરી રાહતો આપવા, મસાલા બોન્ડ ઉપર ટેકસ હટાવવા, બિન જરૂરી આયાતો ઉ૫ર પ્રતિબંધો લાદવા સહીતના નિર્ણયો લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, ચાલુ ખાતાની ખોટ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે પાંચ અહમ પગલા લેવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૮-૧૯ ના પ્રથમ કવાર્ટરમાં ચાલુ ખાતાની ખોટ ૨.૪ ટકા સુધી વધી ગઇ હતી.
અમેરકિાએ અમલમાં મુકેલી નથી પોલીસી ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ વોર અને કુડમાં ભાવમાં વધારો અત્યારે ભારત જેવી વિકસશીલ ઇકોનોમી માટે મુશ્કેલી સર્જી રહ્યાં હોવાનું પણ નાણા પ્રધાન અરૂણ જેટલીએ ઉમેર્યુ હતું. ભારતીય અર્થતંત્રની તબીયતમાં સુધારો લાવવા ધરેલું ઉપચાર માટે આજે પણ વડાપ્રધાન મોદીની અઘ્યક્ષતામાં બેઠક મળી છે. જેમા અર્થતંત્રની ગાડી પાટે લાવવા માટે સુધારાનો નિર્ણય રૂ ૬૫ હજાર કરોડની સકારાત્મક અસર લાવશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ મહીનાના ગાળામાં નિકાસમાં ૧૬.૧ ટકાનો વધારો નોંધાયો હતો. સમાન ગાળામાં આયાત ૧૭.૩૪ ટકા વધી હતી. એકટર્નલ કોમર્શિયલ બોરોવીંગને લગતુ સૌથી મહત્વનું પગલું કેન્દ્ર સરકારે લીધું છે. ઇન્ક્રાસ્ટ્રકચર લોન માટેની હેજીંગ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવનાર છે. હાલની આર્થિક પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ગવર્નર ઉર્જીત પટેલ અને નાણા મંત્રાલયના અધિકારીઓઓએ વિગતવાર માહીતી આપી છે.
કેન્દ્ર સરકારે બીન જરૂરી ચીજ વસ્તુઓની આયાતો ઉ૫ર પ્રતિબંધ લગાવ્યો છે. જેનાથી નિકાસને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. જો કે, સરકારે બીજ જરૂરી ચીજવસ્તુઓમાં શેનો સમાવેશ કર્યો છે તેનો ખુલાસો કર્યો નથી. ઉપરાંત કેન્દ્ર સરકારે વિદેશોમાંથી લોન લેવાના નિયમો હળવા કર્યા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળે છે રૂપીયામાં સતત ઘટાડા અને ચાલુ ખાતાની ખોટ પર અંકુશ લગાવવાના હેતુથી મોદી સરકારે આ નિર્ણય લીધો છે.
અર્થવ્યવસ્થામાં ચાલુ ખાતાની ખોટ ચિંતામાં વિષય બની ગયો છે. નિકાસને પ્રોત્સાહીત કરવા માટે બીન જરૂરી આયાતો ઉપર પ્રતિબંધ લગાવવા માટે વિશ્ર્વ વેપાર સંગઠનને વિશ્વાસમાં લેવાયું છે. સરકારના આયાત નિકાસ અંગેના નિર્ણયો વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુ ટીઓ) ના આધારીત જ રહેશે. તેવું નાણા પ્રધાન અરુણ જેટલીનું કહેવું છે.
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાના ડોલરની સરખામણીએ તા.૧ર સપ્ટેમ્બરે રૂપિયો રેકોર્ડ ૭૨.૯૧ સુધી નીચે ગયો હતો. શુક્રવારે ૭૧.૮૪ પર બંધ રહ્યો ઓગસ્ટથી અત્યાર સુધીમાં રૂપિયો ૬ ટકા તૂટી ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ રેકોર્ડ બ્રેક ઉંચાઇ પ્રાપ્ત કરી ચુકયા છે.
અર્થવ્યવસ્થાનું આરોગ્ય વધુ ના કથળે તે માટે મોદી સરકારે જે પગલા લેવાનો નિર્ણય કર્યો છે તેનાથી ડોલરનું રિઝર્વ વધશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. સરકારના પગલાની લાંબા ગાળાની અસરો જોવા મળશે.