કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક પરિવારોને યુનિક આઇડી આપી સરકારી યોજનાઓનો લાભ અપાશે

જમ્મુ કાશ્મીર કે જેને પૃથ્વી પરના સ્વર્ગ તરીકેનું બિરુદ આપવામાં આવે છે. કાશ્મીરમાં અમુક તત્વોને લીધે આતંકવાદી પ્રવૃત્તિઓ અવાર નવાર થતી હોવાથી કાશ્મીરનો વિકાસ રૂંધાયો હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે. કાશ્મીર હાલ અનેક મોરચે લડી રહ્યું છે. આતંકવાદની સમસ્યાથી માંડી યુવાનોને રોજગાર સહિતની બાબતોએ ’પછાત’ ગણાતા કાશ્મીરમાં વિકાસની હરણફાળ ભરાય તો કદાચ આતંકવાદ મુક્ત કાશ્મીર બની શકાય.

હાલ કેન્દ્રની મોદી સરકાર જ્યારે બે મુદ્દે આગળ વધી રહી છે. ત્યારે મજબૂત અર્થતંત્ર અને આતંકવાદનો ખાત્મો આ બે મુદ્દાની કાશ્મીરમાં પણ અમલવારી થાય તેવા ઉદ્દેશ્ય સાથે હવે કાશ્મીરમાં યુનિક આઇડીની અમલવારી કરવાનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ યુનિક આઇડી થકી કાશ્મીરના દરેક પરિવારોને જોડી એક યુનિક આઇડી આપવામાં આવશે. જેના થકી દરેક પરિવારોને સરકારી લાભો આપી શકાય અને તેમની સુખાકારીમાં વધારો કરી શકાય. ઉપરાંત યુનિક આઇડી આપી યુવાનોને રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસના કાર્યો કરી અર્થતંત્રને મજબૂત બનાવવા તરફ પગલું આગળ મુકવામાં આવશે. હાલ કાશ્મીરના યુવાનો પાસે રોજગારી નહીં હોવાથી તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાતા હોય છે પરંતુ જો વિકાસ કાર્યો થાય તો યુવાનોની રોજગારીની સમસ્યાનો પણ હલ થઈ શકે અને યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ તરફ વળતા અટકાવી શકાય છે. ત્યારે ખરા અર્થમાં કાશ્મીરને ’સ્વર્ગ’ બનાવવા તરફ પગલું માંડવામાં આવ્યું છે.

જમ્મુ અને કાશ્મીર પ્રશાસન કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ પરિવારોનો અધિકૃત ’ડેટાબેઝ’ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. યોજનામાં સમાવિષ્ટ દરેક પરિવાર પાસે એક અનન્ય કોડ એટલે કે ’યુનિક આઇડી’ હશે અને આ ડેટાબેઝ થકી કાશ્મીરના લોકોને વિવિધ સામાજિક યોજનાઓના લાભ આપવો ખૂબ સરળ બની જશે. દરેક પરિવારોને ’ફેમિલી આઈડી’ ફાળવવાના પ્રસ્તાવિત પગલાને ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકારવામાં આવ્યો છે, પરંતુ અન્ય પક્ષોએ વ્યક્તિગત માહિતીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

રિયાસી જિલ્લાના કટરા ખાતે ’ઈ-ગવર્નન્સ’ પર તાજેતરમાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિશ્વસનીય ’ડેટાબેઝ’ બનાવવા માટે ’ડિજિટલ જમ્મુ કાશ્મીર વિઝન પેપર’ બહાર પાડ્યું છે. દ્રષ્ટિ પત્ર મુજબ દરેક પરિવારને ’જમ્મુ કાશ્મીર ફેમિલી આઇડી’ નામનો યુનિક કોડ આપવામાં આવશે. કોડમાં અંગ્રેજી મૂળાક્ષરો અને અંકો સામેલ હશે. કૌટુંબિક ડેટાબેઝમાં ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ સામાજિક લાભો માટે લાભાર્થીઓની સ્વચાલિત પસંદગી માટે કરવામાં આવશે.વિવિધ જોખમને નિષ્ફળ બનાવવા અને સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માહિતીને સુરક્ષિત કરવા માટે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર માહિતી સુરક્ષા નીતિ પર કામ કરવાની યોજના બનાવી રહ્યું છે અને યોગ્ય સાયબર સુરક્ષા માળખું બનાવવાની પણ કલ્પના કરે છે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના સેક્રેટરી પ્રેરણા પુરીએ જણાવ્યું હતું કે, ડેટાબેઝ બનાવવાનો હેતુ એ છે કે દરેક વ્યક્તિગત યોજના હેઠળ લાભ મેળવવા માટે પરિવારો અથવા વ્યક્તિઓએ અરજી કરવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના હરિયાણામાં લાગુ કરાયેલી ’પરિવાર પહેચાન પત્ર’ જેવી જ યોજના હશે, જેમાં પરિવારો અથવા વ્યક્તિઓએ યોજના હેઠળ લાભ મેળવવા માટે દરેકને વ્યક્તિગત રીતે અરજી કરવાની જરૂર નથી.તેમણે જણાવ્યું છે કે, એકવાર ’જેકે ફેમિલી આઈડી’ ડેટાબેઝમાંની માહિતી પ્રમાણિત થઈ જાય અને તેની ચકાસણી થઈ જાય પછી લાભાર્થીએ સેવા મેળવવા માટે કોઈ વધુ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.

કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ (એનસી) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ પ્રસ્તાવિત પગલાની નિંદા કરી હતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય રવિન્દર શર્માએ સરકારના ઈરાદા અને આવા ડિજિટલ ડેટાબેઝને સાયબર હુમલાથી બચાવવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. શર્માએ કહ્યું, સરકાર દરેક બાબતમાં કેમ ડોકિયું કરવા માંગે છે?  તેમની પાસે પહેલેથી જ આધાર દ્વારા પૂરતી માહિતી છે અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર (ડિબિટી) દ્વારા લાભો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.ચીની સંસ્થાઓ દ્વારા સાયબર એટેક અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ના સર્વર પર રેન્સમવેર હુમલાને ટાંકીને તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં લોકોની અંગત માહિતીની સુરક્ષા એક મોટો પડકાર છે.  નેશનલ કોન્ફરન્સના પ્રાંતીય પ્રમુખ રતન લાલ ગુપ્તાએ આ કવાયતને ’સંસાધનોનો બિનઉત્પાદક ઉપયોગ’ ગણાવ્યો હતો. પીડીપીએ સવાલ કર્યો હતો કે સરકાર આ ડેટાબેઝ દ્વારા કોની ઓળખ કરવા માંગે છે.

પીડીપી નેતા વીરેન્દ્ર સિંહ સોનુએ કહ્યું, જમ્મુ અને કાશ્મીરમાં ઘણી સમસ્યાઓ છે જેની સરકાર અવગણના કરી રહી છે. હવે સરકાર આ ડેટાબેઝ દ્વારા કોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે? જોકે, ભાજપે આ પગલાને આવકાર્યું હતું અને કહ્યું હતું કે જે લોકોને વિવિધ લાભો અને પ્રમાણપત્રો મેળવવા માટે કતારોમાં ઊભા રહેવું પડે છે તેઓને એકવાર વેરિફાઈડ ડેટાબેઝ તૈયાર થઈ જાય પછી ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.