Abtak Media Google News
  • તમિલનાડુના ચિદમ્બરનાર પોર્ટ અને મહારાષ્ટ્રના વાધવન પોર્ટને અત્યાધુનિક સુવિધાઓ સાથે વિકસિત કરાશે

સરકાર ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં રૂ. 83,000 કરોડથી વધુના રોકાણ સાથેના બે મેગા પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીમાં છે. તમિલનાડુમાં ચિદમ્બરનાર પોર્ટમાં વધુ ક્ષમતા ઉમેરવામાં આવશે, જ્યારે મહારાષ્ટ્રમાં વાધવન પોર્ટ બે દાયકા કરતાં વધુ સમય પછી વિકસિત કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી બુધવારે 7,056 કરોડ રૂપિયાના ખર્ચે ચિદમ્બરનાર પોર્ટના આઉટર હાર્બર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.  મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ચાર બર્થ વિકસાવવા માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે જે પોર્ટમાં 4 મિલિયન વીસ-ફૂટ સમકક્ષ એકમ ક્ષમતા ઉમેરશે અને મેગા કન્ટેનર જહાજોની સેવા કરવાની ક્ષમતા બનાવશે.  ગેટવે અને ટ્રાન્સશિપમેન્ટ કાર્ગોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે આ પ્રોજેક્ટ જરૂરી છે. ટીઇયુંએ કાર્ગો ક્ષમતાનું સામાન્ય એકમ છે, જેનો ઉપયોગ ઘણીવાર કન્ટેનર જહાજો અને કન્ટેનર પોર્ટ માટે થાય છે.

કેબિનેટ આદર્શ આચાર સંહિતા  અમલમાં આવે તે પહેલાંના બે અઠવાડિયામાં રૂ. 76,000 કરોડના વાધવન પોર્ટ પ્રોજેક્ટને પણ મંજૂરી આપે તેવી શક્યતા છે.  પાલઘર જિલ્લામાં આવનારા મેગા પોર્ટમાં નવ કન્ટેનર ટર્મિનલ હશે. 18 બર્થ સાથે અને તેની સંયુક્ત કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા 23.5 મિલિયન ટીઇયું હશે.  આ બંદરને 2030 સુધીમાં બે તબક્કામાં વિકસાવવામાં આવશે.  પોર્ટનો કુલ કાર્ગો ટ્રાફિક દર વર્ષે 300 મિલિયન ટનથી વધુ થવાની ધારણા છે.

પોર્ટ પાસે કિનારાની નજીક લગભગ 20 મીટરનો કુદરતી ડ્રાફ્ટ છે, જે 16,000-25,000 ટીઇયું ક્ષમતાના મોટા કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે પૂરતો હશે, જેનાથી અર્થતંત્રને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.

આધુનિક ડીપ ડ્રાફ્ટ પોર્ટનું સંચાલન કરતા વિશ્વના સૌથી મોટા કન્ટેનરને 18-20 મીટરના ડ્રાફ્ટની જરૂર પડે છે.  દેશના બે સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ જેએનપીટી અને મુન્દ્રામાં અનુક્રમે 15-16 મીટરનો ડ્રાફ્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.