- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમ પૂર્ણ કરી જતી વખતે હીરાસર એરપોર્ટ ખાતે કુંવરજીભાઇ બાવળિયા સાથે કરી મુલાકાત, બન્ને વચ્ચે થયેલી ચર્ચાઓને પગલે નવા રાજકીય સમીકરણો ઉદ્દભવે તેવી શક્યતાઓ
લોકસભા ચૂંટણીના આવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ભવ્યતી ભવ્ય રોડ શો અને મોટા પાયે લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઉપરાંત સભા સંબોધી ચૂંટણીનું બ્યુન્ગલ ફુકી દીધું છે. તેવામાં સ્થાનિક નેતા કુવરજીભાઈ બાવળીયા સાથે પણ તેઓએ ચર્ચાઓ કરતા હવે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી કોળી ઉમેદવાર ઉપર ભાજપ પસંદગીનો કળશ ઢોળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે દ્વારકા ખાતેથી રાજકોટ પધાર્યા હતા. અહીં તેઓએ અધધધ ૪૮ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત તેઓએ ગુજરાતની પ્રથમ એઇમ્સની વિઝીટ લઈ તેની સાથે અન્ય એઇમ્સનું પણ લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના જુના એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધી રોડ શો પણ યોજ્યો હતો. આ વેળાએ શહેરીજનોએ ઉત્સાહભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર આપ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેસકોર્સ ખાતે વિશાળ જનસભા અને સંબોધી હતી ત્યારે જ વડાપ્રધાને રાજકોટની પ્રથમ ચૂંટણીનો તેઓનો અનુભવ વર્ણવ્યો હતો આ સાથે રાજકોટના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન કાર્યક્રમ બતાવ્યા બાદ ત્યારે એરપોર્ટ ખાતેથી દિલ્હી જવા નીકળી રહ્યા હતા ત્યારે તેઓએ કોળી સમાજના નેતા કુવરજીભાઈ બાવળીયા સાથે મુલાકાત કરી હતી અને તેઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ કરી હતી કુવરજીભાઈ બાવળીયા ભાજપ ઉપરાંત કોળી સમાજમાં પણ પ્રભુત્વ ધરાવે છે ત્યારે કુવરજીભાઈ બાવળીયા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત નવા રાજકીય સમીકરણો લાવે તેવી હાલ ચર્ચા એ જોર પકડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાસર એરપોર્ટ ખાતે કુંવરજીભાઈ બાવળીયા સાથે શું ચર્ચાઓ કરી તેને લઈને પણ હાલ ચોરે અને ચોકે ચર્ચાઓ ચાલી રહી છે.
સુરેન્દ્રનગર બેઠક ઉપર કોળી સમાજ સારું એવું પ્રભુત્વ ધરાવે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની અનેકવિધ બેઠક ઉપર કોળી મતદાતાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં એક બેઠક કોળી સમાજને આપવી જોઈએ તેવી વિચારણા હાલ કેન્દ્ર કક્ષાએથી ચાલી રહી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. વધુમાં કોળી સમાજમાં કુંવરજીભાઈ બાવળીયાનું કદ મોટું હોય તેઓને સુરેન્દ્રનગર બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આ ઉપરાંત કુંવરજીભાઈના કહેવાથી સમાજના અન્ય કોઈ ઉમેદવારને પણ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરથી લડાવવામાં આવે તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે. બીજી તરફ પરસોતમભાઈ સોલંકી પણ ભાજપની પસંદગી હોવાની વાત વહેતી થઈ હતી. પરંતુ પરસોતમભાઈ સોલંકીની તબિયત સહિતના અનેકવિધ કારણોસર હવે કુંવરજીભાઈ બાવળિયા ઉપર ભાજપે મદાર રાખી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.