સ્વચ્છતા અભિયાને લોકોને ‘બખ્ખા’ કરાવી દીધા
સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ, ચોખ્ખાઈ રાખનાર પરિવારો પર લક્ષ્મીની કૃપા વરસી: બિમારી, સફાઈ ખર્ચમાં ઘટાડો થતાં આર્થિક લાભાલાભ
સ્વચ્છતામાં ‘પ્રભુ’નો વાસ…, સ્વચ્છતા ત્યાં પ્રભુતા… ભારતના સમાજ જીવન અને વિશ્ર્વના લગભગ તમામ ધર્મોમાં પવિત્રતાના અવિરભાવના રૂપમાં સ્વચ્છતાનું મહત્વ રહેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી જીવન શિક્ષામાં પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીની સાર્થકતા માટે સ્વચ્છ ભારત અભિયાનનું દેશ વ્યાપી અપાયેલું સુત્ર અને સ્વચ્છતા અભિયાનના સારા પરિણામો મળવા લાગ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનથી સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા દરેક પરિવાર પર લક્ષ્મીજીની કૃપા થઈ હોય તેમ વાર્ષિક ૫૩૦૦૦ રૂપિયાનો લાભ થયાનું એક રસપ્રદ તારણ એક અભ્યાસમાં બહાર આવ્યું છે.
ભારત સરકારના મહત્વકાંક્ષી સ્વચ્છ ભારત અભિયાનના પરિણામ સ્વરૂપ દરેક પરિવારને ૫૩૦૦૦ રૂપિયાની વાર્ષિક લાભની લ્હાણી મળી છે. ખાસ કરીને ગ્રામ્ય ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી અને અપનાવવામાં આવેલી અને સ્વચ્છતા કારણે સવિશેષ લાભ પ્રાપ્ત થયો છે. સ્વચ્છતાનું પ્રમાણ વધતા અને સ્વચ્છ વાતાવરણના પગલે બિમારીમાં થતાં ખર્ચ અને સફાઈ માટે કરવામાં આવતા ખર્ચમાં બચતના ભાગરૂપે દરેક પરિવારને ૫૩,૦૦૦નું આર્થિક ફાયદો થયો છે. આંતરરાષ્ટ્રીય સર્વેમાં સ્વચ્છ ભારત અભિયાન ગ્રામીણ ક્ષેત્રે સવિશેષ લાભ જોવા મળ્યા છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત થયેલા લાભોમાં ૧૦ વર્ષમાં સામાન્ય ધોરણે સફાઈ અને આરોગ્ય માટે થતાં ખર્ચમાં ૧.૭ ટકાના સાંપેક્ષમાં સ્વચ્છ ભારત અભિયાનથી ૪.૩ ગણું વળતર સમાજને પ્રાપ્ત થયું છે. પ્રથમવાર કરવામાં આવેલા આર્થિક સર્વેમાં ઓકટોબર ૨૦૨૦ પ્રકાશિત કરવામાં આવેલ સાયન્સ ડાયરેકટ જનરલ ગ્લોબલ ઈન્ફોર્મેશન એનાલીસીસ એલસેવીયર દ્વારા બતાવવામાં આવ્યું છે કે, ગરીબમાં ગરીબ પરિવારને ૨.૬ ટકા અને સમાજને સ્વચ્છતા અભિયાનથી ૭ ગણુ વળતર પ્રાપ્ત થયું છે. આ સર્વેમાં ૧૦,૦૫૧ ગ્રામીણ પરિવારોને ૨૦ જુલાઈથી ઓગષ્ટ ૧૧, ૨૦૧૭ના સમયગાળા દરમિયાન ૧૨ રાજ્યો જેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, આસામ કે જ્યાં ૯૦ ટકાથી વધુ ખુલ્લામાં શૌચક્રિયા થાય છે તેવા પ્રદેશમાં કરવામાં આવેલા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓકટોબર ૨, ૨૦૧૪માં સ્વચ્છ ભારત મિશનનું લોન્ચીંગ કરાવ્યું ત્યારથી આ વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયા કરવાની પ્રવૃતિ સંપૂર્ણપણે અટકી જવા પામી હતી અને ૧૦૦ ટકા લક્ષ્ય પૂરું થયું હતું. તમામ ઘરમાં ૧૦ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનથી દરેક પરિવારને સરેરાશ ૧૯,૦૦૦ રૂપિયાના ખર્ચે ૨૭૦૦ રૂપિયા વાર્ષિક બચત અને ૯૦૦૦ રૂપિયા સફાઈ ખર્ચ અને ૪૦૦૦ રૂપિયા જેટલો આરોગ્ય પાછળ થતો ખર્ચ બચ્યો હતો. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયેલા પરિવારોની આરોગ્ય સવલત પણ સુધરી હતી અને બિમારી સહિતના ખર્ચમાં ઘટાડો થયો હતો. સરેરાશ ૫૩૦૦૦ રૂપિયાના આર્થિક લાભ આ પરિવારજનોને સ્વચ્છતા અભિયાનના ફળ સ્વરૂપે મળ્યા હતા. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, શૌચાલયની વ્યવસ્થા ઉભી થતાં રૂા.૨૧૦૦૦ જેટલી મિલકતની કિંમતમાં પણ ફાયદો થયો હતો. આર્થિક અને બિનઆર્થિક સર્વેમાં ૧૯૭૦૦ રૂપિયા જેટલો દરેક પરિવારને સ્વાસ્થ્ય સંબંધી અને ૪૪,૦૦૦ જેટલું આર્થિક વળતર પ્રાપ્ત થયું હતું. રૂા.૧૮૦૦૦ના મુલ્યનો લાભ મૃત્યુદર ઘટવાથી પ્રાપ્ત થયો હતો. આ સમયગાળા દરમિયાન ઘરમાં ઉભી થયેલી શૌચાલયની સવલતથી સરેરાશ એક પરિવારને ૨૪૦૦૦ રૂપિયા જેટલો આર્થિક લાભ થયો હતો. આમ સરેરાશ જોવા જઈએ તો સ્વચ્છ ભારત અભિયાનથી દરેક પરિવારને વાર્ષિક ૫૩૦૦૦ રૂપિયાનો લાભ થયો છે.