વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારે ફરી ભાજપ તરફી વાતાવરણ જમાવ્યું: રાજયમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબકકામાં યોજાનારી ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં અલગ-અલગ આઠ સ્થળોએ જાહેરસભા સંબોધી હતી. મોદીની પ્રચાર આંધીથી કોંગ્રેસ ફરી એક વખત બેકફુટ પર ધકેલાઈ ગયું છે. મોદીના પ્રચાર બાદ રાજયમાં ફરી એક વખત ભાજપ તરફી માહોલ બની ગયો હોવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન આગામી રવિવારથી ફરી મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખશે. પ્રથમ તબકકાના મતદાન માટે ૭મી ડિસેમ્બરના રોજ પ્રચાર પડઘમ શાંત થવાના છે તે પૂર્વે જ તમામ રાજકીય પક્ષો સભા, રેલી યોજી મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં થોડા દિવસ પહેલા એવું લાગી રહ્યું હતું કે, આ વખતની ચૂંટણી થોડી રોમાંચક રહેશે જોકે લોકોના મોઢે એવી વાતો પણ સંભળાતી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકવાર પ્રચાર કમાન પોતાના હસ્તગત રહેશે ત્યારબાદ માહોલ ભાજપ તરફી બની જશે અને છેલ્લા બે દિવસથી ખરેખર આવું લાગી રહ્યું છે. ગત સોમવારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા અને ભુજ, જસદણ તથા ચલાલા ખાતે જંગી જાહેરસભા સંબોધી હતી.
જેમાં હકડેઠઠ માનવમેદની ઉમટી પડી હતી દરમિયાન ગઈકાલે વડાપ્રધાને મોરબી, પ્રાંચી, પાલિતાણા અને નવસારી એમ ચાર સ્થળોએ જાહેરસભા સંબોધી હતી. તેમાં બહોળી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. જે રીતે મોદી પોતાની સ્ટાઈલથી વિપક્ષની જાહેરસભામાં આડે હાથ લીધા હતા તેનાથી રાજયમાં ચૂંટણીનો ગરમાવો આવી ગયો હતો. ગુજરાતનો ચૂંટણી પ્રચાર હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ત્રીજી તરફ પાસના આગેવાન હાર્દિક પટેલ અલગ-અલગ સ્થળોએ સભા સંબોધી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપ માટે નબળી ગણાતી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ તબકકે જાહેરસભા સંબોધી હતી અને લોકોને ફરી કમળ તરફ આકર્ષવા માટે પ્રયાસો કર્યા હતા. છેલ્લા બે દિવસમાં મોદીની સાત જેટલી સભાઓએ અનેક મત વિસ્તારમાં ભાજપ તરફી વાતાવરણ બનાવી દીધું છે. આગામી રવિવારે ફરી મોદી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખશે.