રાજ્યો આત્મનિર્ભરતા અને ટ્રેડ, ટુરિઝમ, ટેક્નોલોજીના 3 ટી પર ભાર આપે: વડાપ્રધાન મોદી

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 7મી બેઠકમાં મોદી મંત્ર 1 ઝળક્યો છે. દેશની અર્થતંત્રની ગાડી પુરપાટ દોડતી રાખવા વડાપ્રધાન મોદીએ 3 ટીના મંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોને આહવાન કર્યું છે. આગામી લોકસભાની ચૂંટણી અર્થતંત્ર અને આતંકવાદ આ બે મુદ્દા પર જ લડાશે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે દેશના અર્થતંત્રને સતત પુરપાટ દોડતું રાખવા સતત અર્થતંત્રને લગતા મુદ્દાઓ પર વડાપ્રધાન ભાર મૂકતા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતા પર ભાર મુકતાં રાજ્યોને લોકોને દેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. આ સાથે તેમણે રાજ્યોને આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની તકો શોધવા તેમજ ટ્રેડ, ટુરિઝમ અને ટેક્નોલોજીના થ્રી-ટી પર ફોકસ કરવા પણ જણાવ્યું હતું.

નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યોને જણાવ્યું કે જીએસટી સંગ્રહમાં વધારો થયો છે, પરંતુ તેમાં હજુ વધારો થઈ શકે તેમ છે. જોકે, તેના માટે કેન્દ્ર અને રાજ્યો બંનેના પારસ્પરિક સહયોગની જરૂર છે. દેશને પાંચ લાખ કરોડનું અર્થતંત્ર બનાવવા માટે આપણે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવી જરૂરી છે. તેના માટે આપણે આત્મનિર્ભરતા પર વધુ ધ્યાન આપવું પડશે.

પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાંથી બહાર નિકળવામાં ભારતે વિકાસશીલ દેશોને ઓછા સંસાધનો છતાં આ પ્રકારના પડકારોનો સામનો કરી શકાય છે તેવો મજબૂત સંદેશ આપ્યો છે અને તેનું શ્રેય રાજ્યોને જાય છે, જેમણે જાહેર સેવાઓને છેક નીચે સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રવિવારે યોજાયેલી આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત 23 રાજ્યોના મુખ્યમંત્રીએ હાજરી આપી હતી.

આ બેઠકમાં મુખ્યરૂપે દાળથી લઈને કઠોળના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા, સ્કૂલના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ તથા શહેરી વહીવટની પદ્ધતિઓ પર ચર્ચા થઈ હતી. વધુમાં ભારતે હજુ પણ તેની જરૂરિયાતના 60 ટકા ખાદ્ય તેલની આયાત કરવી પડે છે. તેથી આયાત નિર્ભરતા ખતમ કરવા માટે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ હતી.

અનાજ-કઠોળની ઉત્પાદકતાની સાથોસાથ વાવેતર વિસ્તાર વધારવા રાજ્યોને સુચન!!

ચોખા અને ઘઉંથી લઈને તેલીબિયાં અને કઠોળ સુધીના પાકના વૈવિધ્યકરણને આગળ ધપાવવાની નીતિની વચ્ચે કેન્દ્ર સરકારના અધિકારીઓ રાજ્યોને ચોખા અને ઘઉંના વાવેતર વિસ્તારને વધારવા સતત સૂચન કરી રહ્યા છે. ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવા માટે અનાજની પૂરતી કરવા તેમજ નિકાસ માટે પણ વાવેતર વિસ્તાર વધારવો સાંપ્રત પરિસ્થિતિની જરૂરિયાત છે. હાલની પરિસ્થિતિમાં ઘઉંનો સ્ટોક વર્તમાન જરૂરિયાત કેટ ફક્ત 5% જ વધુ છે. દેશને 275 લાખ ટન ઘઉંની જરૂરિયાત રહેતી હોય છે જની સામે હાલ 285 લાખ ટન ઘઉંનો બફર સ્ટોક છે જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

આગામી બે વર્ષમાં પ્રવાસન ઉદ્યોગ રૂ. 3 લાખ કરોડને આંબી જશે!!

જે રીતે વડાપ્રધાન મોદીએ આપેલા 3 ટીના મંત્રમાં ટુરિઝમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવા સમયે ભારતનો પ્રવાસન ઉદ્યોગ ફક્ત બે વર્ષમાં જ 42 અબજ ડોલર એટલે કે આશરે રૂ. 3 લાખ કરોડને આંબી જશે તેવો અંદાજ છે. ભારતમાંથી આઉટબાઉન્ડ ટ્રિપ્સ 2024 સુધીમાં 42 અબજ ડોલરને વટાવી જશે અને સરકાર આ વધતા બજારને વેગ આપવા માટે કેટલાક નીતિગત ફેરફારો લાવી શકે છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.

ફિક્કીના સહયોગથી નાંગિયા એન્ડરસન એલએલપી દ્વારા ’આઉટબાઉન્ડ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ – એન ઓપોર્ચ્યુનિટી અનટેપ્ડ’ શીર્ષક હેઠળનો અહેવાલ, આગામી ભારતીય પ્રવાસ બજાર પર પ્રકાશ પાડે છે અને ભારતીય પ્રવાસીઓ અને પ્રવાસીઓ માટે નાણાંકીય અનુભવો માટે વધુ મૂલ્યવાન બનાવવા માટેનો રોડમેપ દર્શાવે છે. વ્યાપાર કરવામાં સરળતા અને આઉટબાઉન્ડ ટ્રાવેલમાં કામ કરતી ભારતીય કંપનીઓના હિતોને પ્રોત્સાહન આપવા માટે સરકાર લોકપ્રિય અને આવનારા સ્થળો સાથે સીધો જોડાણ વધારશે. ઉપરાંત વિદેશી ક્રુઝ જહાજોને ભારતીય જળસીમા પર ચલાવવાની મંજૂરી આપવા

જેવા પગલાઓ પર વિચાર કરી શકે છે.   રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઉટબાઉન્ડ ટુરિઝમ માર્કેટને વધુ વેગ આપવા માટે અનેક મોરચે કામ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.