વડાપ્રધાન મોદીએ પોલીસ જવાનોને માહિતીનું આદાન-પ્રદાન કરવાની સલાહ પણ આપી
સાયબર ક્રાઈમનું પ્રમાણ દિવસે ને દિવસે વધતુ જતું હોય વડાપ્રધાન મોદીએ ટોચના પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઈમ પ્રત્યે વધુ ધ્યાન આપવા નિર્દેશ કર્યો છે.
મધ્યપ્રદેશના ટેકાનપુર બીએસએફ એકેડમી ખાતે ડીજીપી અને આઈજીપી કક્ષાના અધિકારીઓની વાર્ષિક કોન્ફરન્સમાં મોદીએ સાયબર ક્રાઈમ મુદ્દે વધુ પ્રાધાન્ય આપવા કહ્યું હતું. આ તકે તેમણે સોશ્યલ મીડિયાની મહત્વતાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક ભાષામાં અપાતા સંદેશા વધુ અસરકારક રહેશે. પોલીસ જવાનોને વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ મોદીએ કહ્યું હતું.વડાપ્રધાન મોદીએ પોલીસ જવાનોને માહિતીનું આદાન-પ્રદાન કરવાની સલાહ પણ આપી હતી. બે રાજયો કે બે પ્રાંત વચ્ચે માહિતીના આદાન-પ્રદાનથી ગુનાખોરી ડામવામાં સરળતા રહેતી હોવાનો નિષ્ણાંતોનો મત છે. ત્યારે આ મુદ્દે પોલીસને વધુ અનુકુળતા સાધવા પણ તેમણે કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોલીસ અધિકારીઓને સાયબર કઆઈમ પ્રત્યે પ્રાધાન્ય આપવાનો નિર્દેશ કર્યો છે. કેન્દ્ર સરકારે નોટબંધી બાદ ડિજિટલાઈઝેશનનો વ્યાપ વધારવા સતત પ્રયત્નો કર્યા છે. સરળ પધ્ધતિના કારણે ડિજિટલાઈઝેશન ધીમે ધીમે લોકભોગ્ય બનતું ગયું છે પરંતુ ડિજિટલ પધ્ધતિના અનેક ફાયદાની સાથે ઘણા બધા જોખમો પણ છે જેમાં સાયબર ક્રાઈમનું જોખમ સૌથી ટોચે છે. સાયબર ક્રાઈમના કારણે દેશમાં દર વર્ષે કરોડો ‚પિયા લોકો ગુમાવે છે. સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસ પાસે અપુરતા ડિજિટલ સંશાધનોના કારણે સાયબર ક્રાઈમ સામે પગલા લેવા મુશ્કેલ બની જાય છે.