આતંકવાદનો ખતરો, સાયબર સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્યાવરણની જાળવણી, ટેકનોલોજીનું આદાન-પ્રદાન, અર્થતંત્રમાં સહયોગ અને આરોગ્યની જાળવણી સહિતના મુદ્દામાં બ્રિકસના નેતાઓનો સહકાર
‘વિકાસ ગાંડો થયો’ તેવી રમુજ હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. મજાકની વાત એકબાજુ મુકીએ તો વડાપ્રધાન મોદીના વિકાસના મંત્રને વૈશ્ર્વિક નેતાઓએ સ્વીકાર્યો હોવાનું જણાય આવે છે. વિકસતા અર્થતંત્ર બ્રાઝિલ, ચીન, સાઉથ આફ્રિકા, ભારત, રશિયાના બનેલા સંગઠન બ્રિકસની શિખર પરિષદમાં વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓને વિકાસ માટે ૧૦ ઉમદા કમીટમેન્ટ આપવા આહવાન કર્યું છે. વૈશ્ર્વિક નેતાઓને આપેલા કમીટમેન્ટમાં આતંકવાદનો ખાત્મો, સાયબર સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટથી વિશ્ર્વને સુરક્ષીત બનાવવાનો મુદ્દો સૌથી અગ્રતાના સ્થાને રહ્યો છે.
આ ઉપરાંત સૂર્ય ઉર્જા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહકારના માધ્યમથી કલાઈમેન્ટ ચેન્જને રોકવાનું કમીટમેન્ટ પણ મોદીએ નેતાઓ પાસેથી માંગ્યું છે.
અર્થતંત્ર અને વિજ્ઞાન ક્ષેત્રે ટેકનોલોજીનું આદાન-પ્રદાન કરી વિશ્ર્વને વિકાસ માટે સરળ બનાવવું, ઉપરાંત બેન્કિંગ અને ફાઈનાન્સ સીસ્ટમથી સામાન્ય લોકોને સકારાત્મક રીતે જોડવાનું કમીટમેન્ટ પણ મોદીએ સુચવ્યું છે. પાંચેય દેશોના અર્થતંત્ર જેમ બને તેમ વધુને વધુ ડિજિટલ ફ્રેન્ડલી રહે તેમ કમીટમેન્ટ પણ બ્રિકસ સભ્ય દેશો પાસેથી મોદીએ માગ્યું છે.
રોગચાળા સામે સુરક્ષા માટે સંશોધન અને ડેવલોપમેન્ટનો સહકાર તેમજ જેન્ડર ઈક્વિલીટી અને તમામને એક સમાન તકની વાત પણ વડાપ્રધાન મોદીએ વૈશ્ર્વિક નેતાઓ સમક્ષ મુકી છે. કુદરત અને સંસ્કૃતિની જાળવણી માટે વૈચારિક મુલ્યનું આદાન પ્રદાન સરળ બનાવવા માટે પણ બ્રિકસની નેતાગીરીને વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું છે.