કોંગ્રેસ મેચ પહેલા જ હારમાં ‘માહેર’:૨૪૩ બેઠકોમાંથી ૭૦ ઉમેદવારોમાં જ કોંગ્રેસ સીમીત બની જતા એનડીએને
બેઠે થાળે મોહનથાળ: એક સમયનો રાષ્ટ્રીય પક્ષ આજે હાંસીયામાં
સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી. દેશના રાજકારણમાં દાયકાઓ સુધી એક ચક્રી શાસન ધરાવતા કોંગ્રેસના વળતા પાણીનો સીલસીલો બિહારમાં પણ યથાવત જ રહેવાનું નિશ્ર્ચિત બન્યું છે. તાજેતરમાં જારી થયેલા ઓપીનીયન પોલમાં બિહારની ભાજપનો વોટ શેર ઘટવા છતાં બિહારમાં મોદીનો દબદબો યથાવત રહે તેવા વર્તારા મળ્યા છે.
ભાજપ, જનતા દળ ગઠબંધનને બિહારમાં ૨૪૩ ધારાસભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતિ પુરતા ૧૪૩ બેઠકો પર વિજય મળશે. રવિવારે ટાઈમ્સનાવ અને સીવોટર દ્વારા જારી કરવામાં આવેલા ઓપીનીયન પોલમાં આ વર્તારો જારી કરવામાં આવ્યો હતો. જારી થયેલા ઓપીનીયન પોલમાં ભાજપને ૭૭ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટીની સ્થિતિ અને તેના સહયોગી જનતા દળ યુનાઈટેડને ૬૬ બેઠકો મળશે. ભાજપના વોટશેરમાં ઘટાડો છતાં બિહારમાં મોદીનો દબદબો રહેવાનો છે. બીજી તરફ એનડીએને માત્ર ૭ બેઠકો મળશે. આરજેડી કોંગ્રેસના મહાગઠબંધનમાં તેજસ્વી યાદવને ૮૭ બેઠકોમાંથી ૬૦ બેઠકો અને કોંગ્રેસને ૧૬ બેઠકો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુપીએને માત્ર ૧૧ બેઠકો મળે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ કરેલા દાવા ડંફાશો પુરવાર થાય તેમ એલજેપીને માત્ર ૩ બેઠકો અને અન્યને માત્ર ૬ બેઠકો મળે તેવુ ઓપીનીયન પોલમાં જણાવ્યું છે.
જારી થયેલા વર્તારામાં આરજેડીને ૨૦૧૫ના વોટશેરમાં ૧૮.૮ના બદલે વધુ ફાયદો થઈને ૨૪.૧ ટકા થશે. બીજી તરફ ૨૦૨૦માં ભાજપને અગાઉના વોટ શેરીંગના ૨૫ ટકામાંથી ૨૧.૬ ટકા જેટલા નીચા વોટ શેરીંગ પ્રાપ્ત થશે. તેમ છતાં કોંગ્રેસની મેચ પહેલા જ હાર માની લેવાની માહેરતના કારણે કોંગ્રેસે માત્રને માત્ર ૭૦ ઉમેદવારો મેદાનમાં ઉતારતા એક સમયનો રાષ્ટ્રીય પક્ષ આજે હાસીયામાં ધકેલાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ચિરાગ પાસવાનની એલજેપીને પણ માત્ર ૩ બેઠકો જ મળશે. ગઠબંધનને ૨૪૩ની વિધાનસભામાં બહુમતિ માટે ૧૨૨ના જાદૂઈ આંકડાની જરીયાત છે. તે એનડીએને સરળતાથી પ્રાપ્ત થશે અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે જનાધાર મેળવશે.
ટાઈમ્સ નાવના સી વોટર ઓપીનીયન પોલમાં ૨૪૩ મત ક્ષેત્રમાં ૩૦૬૭૮ લોકોને ઓકટોબર ૧ થી ૨૩ દરમિયાન સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી ૨૮ ઓકટોબરથી ૭ નવેમ્બર દરમિયાન ૩ તબક્કામાં મતદાન થશે અને ૧૦મી નવેમ્બરે પરિણામ આવશે. કોરોનાના માહોલમાં સોશિયલ ડિસ્ટન્સની મર્યાદા જાળવીને ચૂંટણી યોજવા ચૂંટણીપંચ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. એનડીએ ગઠબંધનમાં જનતા દળ ૧૧૫ અને ભાજપ સમજૂતી મુજબ ૧૧૦ બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે. ભાજપના કેન્દ્ર સરકારના સહયોગી લોક જન શક્તિ પાર્ટી બિહારમાં એકલે હાથ ચૂંટણી લડી અને ૧૪૩ બેઠકો પર ઉમેદવારો ઉતારશે. બીજી તરફ આરજેડી ૧૪૪ બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે જ્યારે મહાપક્ષ તરીકે દેશના રાજકારણમાં લાંબા સમય સુધી સત્તામાં રહેલા કોંગ્રેસે મેચ પહેલા જ હાર માની લીધી હોય તેમ ચૂંટણીમાં માત્ર ૭૦ ઉમેદવારો ઉતારીને હરીફોને લાભના લાડવાનો થાળ ધરી દીધો હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.