સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ વહેલી સવારે હવાઈ માર્ગે મોરબી જવા રવાના થશે
વડાપ્રધાન વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે ત્યારે તેઓ આજે મધરાત્રે ૧૨:૦૫ કલાકે હૈદરાબાદથી રાજકોટ આવી પહોંચશે. સર્કિટ હાઉસ ખાતેના ટુંકા રાત્રી રોકાણ બાદ તેઓ વહેલી સવારે મોરબી જવા રવાના થશે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ તેઓની સાથે જોડાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ હૈદરાબાદથી રાત્રે ૧૨:૦૫ કલાકે રાજકોટ એરપોર્ટ પર હવાઈ માર્ગેથી આવશે. એરપોર્ટથી તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. ત્યાં તેઓ પાંચ કલાક જેટલું ટુંકું રાત્રી રોકાણ કરશે. વહેલી સવારે ઉઠી તેઓ પોતાની નિત્યક્રિયા કરીને હવાઈ માર્ગે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે મોરબી જવા રવાના થશે.
મોરબી ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે. ત્યાંથી તેઓ સુત્રાપાડાના પાલિતાણા અને નવસારી ખાતે જાહેરસભાઓ ગજવશે. રાજકોટમાં એરપોર્ટથી સર્કિટ હાઉસ વચ્ચેના ‚ટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકોની ચૂંટણી નજીક આવી રહી છે તેમાં પણ પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર અર્થે ખુદ બેઠકના વિસ્તારોને ધમરોળી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કચ્છના ભુજથી પ્રચાર અભિયાન આરંભયું હતું. ભુજની સભા બાદ તેઓએ જસદણ અને ચલાલામાં જાહેરસભા સંબોધી હતી. ત્યારબાદ એક દિવસના વિરામ બાદ તેઓ ફરી ચૂંટણી પ્રચાર અર્થે મોરબી જશે. જેમાં તેઓએ રાત્રી રોકાણ માટે રાજકોટ શહેરની પસંદગી કરી છે.