જો કામનું સ્થળ અને આવાસ એક જ જગ્યાએ હશે તો પોલીસનો કિંમતી સમય બચશે
પોલીસ સ્ટેશનોની ઉપર 20 માળની બિલ્ડિંગનું નિર્માણ કરો. સુરક્ષા બનાવો, જેથી પોલીસ સ્ટેશન આધુનિક બને અને એના પર રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. દરેક શહેરમાં 20-25 પોલીસ સ્ટેશન હશે, જેમાં સુધારો કરી શકાય છે, જેથી કોઈ પોલીસકર્મી 20-25 કિમી દૂર ઘરે ન જવું પડે. તેમ વડાપ્રધાન મોદીએ દરેક રાજ્યોને સલાહ આપતા જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સૂરજકુંડમાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરના સમાપન સમારોહને વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. ચિંતન શિબિરનો હેતુ વિઝન 2047નું પ્લાનિંગ કરવાનું છે. ચિંતન શિબિરમાં તમામ રાજ્યોના ગૃહમંત્રી, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓ માટે ’વન નેશન, વન યૂનિફોર્મ’ પોલિસીની સલાહ આપી છે.
પીએમ મોદીએ કહ્યું, કાયદો અને વ્યવસ્થા એક રાજ્ય સુધી સીમિત નથી. ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરનેશનલ ક્રાઈમ વધી રહ્યો છે. ટેક્નોલોજી સાથે હવે ગુનેગારો પાસે રાજ્યોમાં ગુના કરવાની શક્તિ છે. સરહદ બહારના ગુનેગારો ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. તમામ રાજ્ય એજન્સીઓ વચ્ચે સંકલન અને કેન્દ્ર તથા રાજ્યની એજન્સીઓ વચ્ચે સંકલન જરૂરી છે.
ચિંતન શિબિરની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આગામી 25 વર્ષ અમૃત પેઢીના નિર્માણ માટે હશે. આ અમૃત પેઢીનું નિર્માણ ’પંચપ્રણ’ના સંકલ્પોને આત્મસાત્ કરીને બનાવવામાં આવશે. આ પંચ પ્રાણ છે, એક વિકસિત ભારતનું નિર્માણ, સંસ્થાનવાદી માનસિકતાથી મુક્તિ, વારસા પર ગર્વ, એકતા અને સૌથી મહત્ત્વનું નાગરિકનું કર્તવ્ય.
સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ફેક ન્યુઝ અંગે પીએમએ ચિંતા વ્યક્ત કરી
વડાપ્રધાને શિબિરમાં ફેક ન્યૂઝ પર પણ પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, આજે સોશિયલ મીડિયા દુનિયાની સૌથી મોટી તાકાત છે, પરંતુ તેના ઉપયોગમાં સાવધાની પણ જરૂરી છે. એક નાની ફેક ન્યૂઝ આખા દેશમાં તોફાન લાવી શકે છે. લોકોને આ અંગે જાગરુક કરવાની જરૂર છે કે કંઇ પણ ફોરવર્ડ કરતા પહેલા વિચારો. જે પણ મેસેજ તમારી પાસે આવે, તેને ફોરવર્ડ કરતા પહેલા તે વેરિફાય જરૂર કરી લો.
તમામ રાજ્યોને વન નેશન, વન યુનિફોર્મની હિમાયત
વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓને કહ્યું કે, પોલીસ માટે ’વન નેશન, વન યુનિફોર્મ’ માત્ર એક વિચાર છે. હું આને તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરી રહ્યો. માત્ર આના પર વિચાર કરો. બની શકે છે તેમાં 5 વર્ષ અથવા 50-100 વર્ષ લાગે, પરંતુ આપણે આ અંગે વિચાર કરવો જોઇએ.
સુરક્ષાને સઘન બનાવવા માટે આપણે નવી ટેકનોલોજી ઉપર સતત ભાર આપવો પડશે
વડાપ્રધાને ઉમેર્યું કે કાયદો અને વ્યવસ્થા માટે વિશ્વસનીય હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્માર્ટ ટેકનોલોજીથી કાયદો અને વ્યવસ્થાને સ્માર્ટ બનાવવી શક્ય બનશે. સાયબર ક્રાઈમ હોય કે ડ્રોન ટેક્નોલોજી દ્વારા હથિયારો અને ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે આપણે નવી ટેક્નોલોજી પર કામ કરતા રહેવું પડશે.