- કોર્પોરેશન અને રૂડાના 495 કરોડના વિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાન કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજકોટ શહેરની એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ સહિતના રાજકોટ મહાનગરપાલિકાના તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવતીકાલે રવિવારના રોજ રાજકોટ ખાતે પધારતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉષ્માભેર આવકારવા તડામાર તૈયારી પૂર્ણ થઈ છે.વડાપ્રધાન રેસકોર્ષ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. જુના એરપોર્ટથી સભા સ્થળ રેસકોર્ષ સુધી રોડ-શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતભરમાં ગૌરવ અપાવનાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ સહિતના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત મિશન 2.0 યોજના તથા સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક તથા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ કુલ રૂ.495.10/- કરોડના વિવિધ 28 (અઠ્યાવીસ) પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવતીકાલે રવિવારના રોજ રાજકોટ ખાતે પધારવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અદમ્ય ઉત્સાહ છે.
મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તથા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારના અવિરત સહયોગથી રાજકોટ શહેરએ વંણથભી વિકાસ યાત્રા જાળવી રાખી છે.
કેન્દ્ર સરકારના તથા રાજ્ય સરકારના અવિરત સહયોગથી શહેરને અનેક પ્રોજેક્ટ્સ મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉષ્માભેર આવકારવા અને સ્વાગત માટે જુના એરપોર્ટના પ્રવેશદ્વારથી રેસકોર્શના પ્રવેશદ્વાર સુધી અંદાજીત 800 મીટર રૂટ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય રોડ-શોનું આયોજન કરેલ છે. આ રોડ-શોના રૂટ પર નાના મોટા 21 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવેલ છે. સમગ્ર રૂટ પર મંડપ બેરીકેડિંગ, રોશની, સાઉન્ડ, સુશોભનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. રોડ-શોના રૂટના સ્ટેજ પર અલગ અલગ સંસ્થા, અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ, કલ્ચરલ ગ્રુપ્સ કાઠિયાવાડી અને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ આધારિત પફોર્મન્સ, રાસ-ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી પ્રધાનમંત્રીનું અભિવાદન કરવામાં આવનાર છે. આ દરેક સ્ટેજ પર રાજકોટ મહાનગરપાલિકાએ નોડલ ઓફિસરની નિમણૂંક કરેલ છે.
વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે કોર્પોરેશને શરૂ કર્યા બે કંટ્રોલ રૂમ
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે બંને કંટ્રોલ રૂમની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું
આવતીકાલે રાજકોટ આવતા વડાપ્રધાનના કાર્યક્રમ અનુસંધાને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા અને રોડ-શોનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સામાન્ય વહીવટ શાખા અને મહેકમ શાખામાં આજે શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમની મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલએ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જુના એરપોર્ટ ખાતેથી રેસકોર્ષ સભા સ્થળ સુધીના રૂટ પર યોજાનાર ભવ્ય રોડ-શો અને રેસકોર્ષ ખાતે જાહેર સભામાં આવનાર લોકોના પરિવહન, ફૂડ પેકેટ્સ, પીવાનું પાણી, મેડીકલ સુવિધા વગેરે સંબંધી કામગીરી માટે આ બંને કંટ્રોલ રૂમ ખાતેથી સંકલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોના પરિવહન માટે તેમજ સભા સ્થળ અને રોડ-શોમાં જોડાનાર લોકોની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપરવાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે બંને કંટ્રોલ રૂમ ખાતે થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ- કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.