- એક સમયે મુરઝાઈ ગયેલા કમળને મોદીએ ગુજરાતની ધરા સંભાળ્યા બાદ સોળે કળાએ ખીલવી નાખ્યું
- રાજકોટની બેઠક ઉપરથી જીત્યા બાદ મોદીએ ક્યારેય પાછું વળીને જોયું નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ છે. સૌરાષ્ટ્રના મોદી પ્રત્યેના અપાર પ્રેમે વૈશ્વિક નેતા ઉદય કરાવ્યો છે. એક સમયે મુરઝાઈ ગયેલા કમળને મોદીએ ગુજરાતની ધરા સંભાળ્યા બાદ સોળે કળાએ ખીલવી નાખ્યું હતું. રાજકોટની બેઠક ઉપરથી જીત્યા બાદ મોદીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇ પણ ઉમેદવાર ઉભો રહે એટલે કેસરીયો લહેરાય તે નક્કી જ હોય છે. નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટની આ બેઠક પર લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને હાલ વડાપ્રધાન છે. રાજકોટની આ સીટ લક્કી માનવામાં આવે છે.
આ બેઠક પર કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા આ સીટ પરથી સતત જીતતા આવ્યાં હતા. આ બેઠક પરથી લડવા ભાજપના મોટાગજાના નેતા તલપાપડ હોય છે, આ બેઠક લક્કી માનવામાં આવે છે. અહીંથી જે ઉમેદવાર ઉભો રહે તો સીએમ સુધી પહોંચી શકે તેવી માન્યતાઓ છે અને એ સાચી પણ પડે છે. 2002ની સાલમાં મોદીનો જાદુ ગુજરાત પર છવાયો હતો. જેમાં મોદી મેજીક છવાયો હતો. સવાલ એ હતો કે તે મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર હતા. પરંતુ એક પણ વખત ધારાસભા લડ્યા નહોતા, મોદીને પણ ગુજરાતભરમાં રાજકોટની 2 નંબરની બેઠક જ સેઇફ લાગી અને અહીંથી ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા અને સીધા મુખ્યમંત્રી બની ગયા હતા.
મોદી 14 હજારથી વધુ મતે વિજેતા બન્યા હતા
નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના પ્રચારક રહ્યા હતા. 1990ના દાયકામાં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી હતા. ઓકટોબર 2001માં તેમને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવેલ. તે વખતે તેઓ વિધાનસભાના સભ્ય ન હતા. મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાવુ અનિવાર્ય હતું. તે વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી આવી હતી. જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી. ફેબ્રુઆરી 2002માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ઘણાને ચૂંટણી જીતાડવાનો તેમને અનુભવ હતો પરંતુ જિંદગીની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાં લડેલા અને 14 હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા.
મોદીની દીર્ઘદ્રષ્ટિથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બની
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપે તમામ રાજ્યોમાં ખૂબ જ આક્રમક રીતે લડત આપી અને એક પછી એક અનેક ચૂંટણીઓ જીતી. પાર્ટીએ હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ડાબેરી બહુમતીવાળા ત્રિપુરામાં પણ સરકાર બનાવી હતી. પૂર્વોત્તરમાં પણ ભાજપનો કાફલો સતત વધી રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીને પોતાનો ચહેરો બનાવ્યો હતો અને પાર્ટીએ 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપના આ પ્રદર્શને રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા. નરેન્દ્ર મોદીના કરિશ્માઈ નેતૃત્વને આની પાછળનું કારણ માનવામાં આવતું હતું.
મોદી એકમાત્ર બિન કોંગ્રેસી નેતા જેઓ સતત ત્રણ ટર્મ વડાપ્રધાન બન્યા
નરેન્દ્ર મોદી આઝાદી બાદ પહેલા એવા બિન કોંગ્રેસી નેતા છે જે સતત ત્રણ વખત વડાપ્રધાન બન્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવ્યો હતો ત્યારે મોદીએ દેશભરમાં પાર્ટી અને એનડીએ માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે મોદી અને પાર્ટી સંગઠનની મહેનતનું જ પરિણામ હતું કે 2009ની લોકસભા ચૂંટણીમાં 116 બેઠકો જીતનાર ભાજપ 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકોના આંકડા સુધી પહોંચી ગયું હતું. આ પછી ભાજપ પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી.
સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને 370ના અંત સુધી અનેક મોટા નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 10 વર્ષમાં નોટબંધીથી લઇને બાલાકોટ એર સ્ટ્રાઇકથી લઇને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરવા સુધીના મોટા નિર્ણયો માટે યાદ કરવામાં આવે છે. મોદી સરકારે ત્રણ તલાકની પ્રથાને નાબૂદ કરવા માટે કાયદો બનાવ્યો. લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો અમલ પણ મોદી સરકારનો મોટો નિર્ણય માનવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા પીએમ જનધન યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના જેવી અનેક મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આ યોજનાઓથી દેશની જનતાને ઘણો ફાયદો થયો છે.
2001થી 2014 સુધી મોદી ગુજરાતના સીએમ રહ્યા
2001માં ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદ સંભાળવા માટે કહ્યું હતું. મોદી 2014 સુધી આ પદ પર રહ્યા. નરેન્દ્ર મોદીએ 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી રહીને ભાજપને જીત અપાવી હતી. તેઓ આજે પણ ગુજરાતમાં ભાજપનો સૌથી મોટો ચહેરો છે, જેમના નામે પાર્ટીને ત્યાં વોટ મળે છે.