વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજનાના ત્રીજા ચરણના લોન્ચિંગ માટે મે મહિનામાં રાજકોટ આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચુંટણીને ધ્યાનમાં લઈ દર માસે ‘માદરે વતન’ પધારશે. વડાપ્રધાન મોદી પાછલા દસ મહિનામાં દસેકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. હવે ચુંટણીને ધ્યાને લઈ મે થી સપ્ટેમ્બર સુધી દર મહિને વતનની મુલાકાતે આવવાની યોજના છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી આગામી ૨૧ થી ૨૨ મે ના રોજ ગાંધીનગરમાં યોજાનારી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની મીટીંગમાં હાજરી આપશે. તેમજ સૌની યોજનાના ત્રીજા ચરણના લોન્ચિંગ માટે રાજકોટ આવશે. આ ઉપરાંત મે મહિનામાં બીજા ફન્કશનોમાં પણ હાજરી આપશે.
સુત્રોના કહ્યા પ્રમાણે વડાપ્રધાન જુન માસમાં ઈન્ડો-રસિયન બાયલેટરલ ઈવેન્ટની ઉજવણી અને નેશનલ ટેકસટાઈલ મીટીંગ માટે ગાંધીનગર આવશે. આ ઉપરાંત ચુંટણી અંતર્ગત મોટાભાગના જાહેર કાર્યક્રમો અને રોડ શો જુન માસમાં જ યોજાનાર છે. જુલાઈ માસમાં વડાપ્રધાન ફરી પાછા ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં તેઓ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમની શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેશે.
ત્યારબાદ પીએમ મોદી ઓગસ્ટ માસમાં કેવડીયા કોલોનીએ સરદાર સરોવર નર્મદા ડેમના ગેટ-કલોઝીંગ સેરેમની માટે ‘માદરે વતન’ પધારશે. ત્યારપછી સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન મોદી તેમના વતન વડનગર જશે જયાં તેઓ હોસ્પિટલ, મેડીકલ કોલેજ સહિતના અનેક જાહેર કાર્યોનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ યાત્રા દરમિયાન તેઓ મહેસાણા જીલ્લામાં એક મોટી જાહેર સભાને સંબોધશે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ ગુજરાત સરકાર અને ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજવાનું પ્લાનીંગ કરી રહ્યા છે.