કોર્પોરેશન દ્વારા શહેર રૈયા સ્માર્ટ સિટી એરીયામાં નવી ટેકનોલોજી દ્વારા લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત 1144 આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. જેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલે કરવામાં આવનાર હતું. પરંતુ પીએમની વ્યસ્તતાના કારણે હવે આ કાર્યક્રમ મોકુફ રહ્યો છે. આગામી 3 જુલાઈના રોજ સવારે 11:00 કલાકે હવે લાઈટ હાઉસ પ્રોજેકટનું વડાપ્રધાન દ્વારા ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
વડાપ્રધાનની વ્યસ્તતાના કારણે કાર્યક્રમ રહ્યો મોકુફ
દેશમાં તમામ નાગરિકને 2022 સુધીમાં ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ સાથે ઓછા સમયમાં વધુ આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. વિશ્ર્વમાં પ્રચલીત અને ભારતને અનુકુળ એવી 54 ટેકનોલોજીથી આવાસ બનાવવા માટે ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેકટ હેઠળ સમગ્ર દેશમાં રાજકોટ, લખનઉ, રાચી, અગરતલા, ઈંદોર, ચેન્નઈની પસંદગી કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા શહેરના રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત 1144 આવાસ બનાવામાં આવી રહ્યાં છે જેનું ખાતમુહૂર્ત ગત 1લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી વર્ષના અંત સુધીમાં લાભાર્થીઓને આ આવાસ મળી રહેશે.
લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત અલગ અલગ શહેરોમાં બની રહેલા આવાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ 25મી જુનના રોજ ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવનાર હતું પરંતુ કાર્યક્રમની વ્યવસ્તતાના કારણે આ કાર્યક્રમ હાલ મોકુફ રાખવામાં આવ્યો છે અને હવે વડાપ્રધાન ત્રીજી જુલાઈના રોજ સવારે 11 કલાકે ડ્રોન નિરીક્ષણ કરશે.