કડવા પાટીદાર સમાજના સર્વાગી વિકાસ માટે હાથ ધરાવેલા આ વિશાળ આયોજનના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહીને મોદી પાટીદારોને ફરીથી ભાજપ તરફ જોડવા માઘ્યમ બનવાનો કરશે પ્રયાસ
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપથી નારાજ ગણાતા કડવા પાટીદારોને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.પાટીદારોનો અનામત આપવાની માંગ સાથે હાર્દિક પટેલ સહીતના પાસના આગેવાનોએ કરેલા આંદોલનો અને જે દરમ્યાન પાટીદારો પર અત્યાચાર થયાના મુદ્દે કડવા પાટીદારો ભાજપથી નારાજ થયા હતાં. જેની સીધી અસર ગત વર્ષે યોજયેલી રાજય વિધાનસભાની ચુંટણીમાં પડી હતી જેમાં ભાજપને પાતળી બહુમતિ જયારે કોંગ્રેસને સન્માનજનક સ્થાને પહોચી જવા પામ્યું હતું. જેથી કડવા પાટીદારોને રીઝવવા ભાજપે હાથ ધરેલા વ્યુહના ભાગરુપે આગામી ચોથી માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અમદાવાદમાં ઉમિયા ધામનું ખાતમુહુર્ત હાથ ધરવામાં આવનારું છે.
કડવા પાટીદારોની એક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર વૈષ્ણવો દેવી સર્કલ પાસે બે લાખ સ્કેવર મીટર જેટલી વિશાળ જગ્યામાં એક હજાર કરોડ રૂ ના ખર્ચે ઉમિયા ધામ બનાવવામાં આવનારું છે.
જેના ખાતમુહુર્તમાં ઉ૫સ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચોથી માર્ચે શિવરાત્રીએ યોજાનારા આ કાર્યક્રમમાં મોદી ઉ૫સ્થિત રહેશે તેમ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેરાત કરી દેવામાં આવ્યું છે. તેમ ઉમિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી આર.પી.પટેલે જણાવીને ઉમેર્યુ હતું. કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તથા સંતો મહંતો ઉ૫સ્થિત રહેનારા છે.
૧૦૦૦ વિઘા જમીનમાં યોજાનારા આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં રાજયભરમાંથી ૧૦ લાખ કરતા વધારે પાટીદાર ઉમટી પડવાનો અંદાજ છે. તેમ જણાવીને પટેલે ઉમેર્યું હતુ કે આ કાર્યક્રમમા રાજયભરમાંથી દરેક બાજુએથી મોટી સંખ્યામાં વાહનો આવનારા છે. જેથી તેમના પાર્કિંગ માટે જ ૬૦૦ વિઘા જગ્યા રાખવામાં આવી છે. આ ઉમિયા ધામમાં ઉમિયા માતાજીનાં મંદિર ઉપરાંત પાટીદાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ એનઆરઆઈ પાટીદારો માટે ગેસ્ટ હાઉસ અને આરોગ્યધામ બનાવવામાં આવનાર છે. જે રાજયભરમાં પાટીદારોના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીનું મોટામાં મોટુ આયોજન છે.
ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદારોની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક મતક્ષેત્રોમાં કડવા પાટીદારો હંમેશા અસરકારક પરિબળ તરીકે ઉપસી આવ્યા છે. કોંગ્રેસના તાત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ અપનાવેલી ખામની થીયરી બાદ કડવા પાટીદારો કોંગ્રેસથી વિમૂખ થઈ ને ભાજપ તરફ ઢળ્હતા અને લાંબા સમયથી ભાજપને વિજય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે. આવા કડવા પાટીદારો થોડા સમયથી ભાજપથી નારાજ મનાય રહ્યા છે. જેથી આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને ઉપસ્થિત રાખીને ભાજપ કડવા પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાનું રાજકીય વિશ્લેષણોનું માનવું છે.