ગુજરાતમાં જાહેર સભાઓ, રોડ-શો અને સરકારી યોજનાઓના લોકાર્પણના એક સામટા કાર્યક્રમો માટે વડાપ્રધાનનો રસાલો તૈયાર
લોકસભાની ચુંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે ભાજપે નરેન્દ્ર મોદીના દેશવ્યાપી અને સભાઓનો કાર્યક્રમનો તખ્તો તૈયાર કર્યો છે. નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં વતન ગુજરાતમાં સંખ્યાબંધ સભાઓ અને બેઠકોનો દોર વડાપ્રધાન ચુંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ આટોપી લેવા એક મહિનામાં ત્રણ વખત ગુજરાતમાં આવી ચાર દિવસ રોકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી ફેબ્રુઆરીએ અનેક સરકારી યોજનાઓ અને નવનિર્મિત સિવિલ હોસ્પિટલની તેમના હાથે ઉદઘાટન કરશે. રાજય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા કાર્યક્રમમાં વડાપ્રધાન ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં થયેલા એમઓયુની ફળશ્રુતીપે ઉભા થયેલા નવા પ્રોજેકટો અને નવી યોજનાઓનું મુહૂર્ત કરશે.
૨૮મી ફેબ્રુઆરી આસપાસની પ્રથમ મુલાકાત બાદ વડાપ્રધાનની બીજા પ્રવાસના દૌર ગુજરાતમાં ચાર અને પાંચ માર્ચનો રહેશે. ૪થી માર્ચે વડાપ્રધાન અમદાવાદ ખાતે નિર્માણાધીન ૧ હજાર કરોડના ખર્ચે ઉમિયાધામ સંકુલની શીલારોપણ કરશે.
૫મી માર્ચે સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન લેઉવા પટેલ સમાજ દવારા આયોજીત મહોત્સવમાં હાજર રહેશે અને સરકારી યોજનાઓના મુહૂર્તમાં નવા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મુહૂર્ત અને રાજયમાં ૧.૫ લાખ કરોડ રૂપીયાના જાહેર અને ઔધોગિક પરિયોજનાનો પ્રારંભ કરાવશે. આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં વડાપ્રધાન લગાતાર ગુજરાતની બારથી વધુ મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતની વડાપ્રધાન મુલાકાતનો દોરનો પ્રારંભ ૧૭,૧૮,૧૯ જાન્યુઆરીથી થયો હતો. વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટમાં સ્વરક્ષણ પરિયોજનાઓના પ્રારંભ અને દાંડી નવસારી અને સુરતની મુલાકાતો લીધી હતી.વડાપ્રધાન પક્ષના ચુંટણી પ્રચારનો ઝંઝાવત સર્જી દેશે.
પક્ષના વરીષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, અમારી વિનંતીને માન આપી ગુજરાતના તમામ ૨૬ સંસદીય મત વિસ્તારોમાં ઓછામાં ઓછી ૨૦ જાહેરસભાઓ વડાપ્રધાન સંબોધશે. ખુબ જ વ્યસ્ત ટાઈમટેબલ વચ્ચે વડાપ્રધાન ૧૦ થી ૧૨ મેગા રોડ શો અને તમામ લોકસભાની બેઠકો પર ચુંટણી પ્રચારમાં વડાપ્રધાન યોગદાન આપશે. વડાપ્રધાન દિલ્હીથી ડિજિટલ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી પક્ષના કાર્યકરો અને મતદારોને સંબોધન કરે તેવું પણ નકકી કરાયું હોવાનું પક્ષના સુત્રોએ જણાવ્યું હતું.