મોદી સરકારની નોટબંધી, જીએસટી અને કિસાનલક્ષી યોજનાઓ સદંતર નિષ્ફળ નીવડી : અમારી સરકાર આવ્યે પાંચ વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવીશું કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલે મુખ્યમંત્રીના હોમટાઉનમાં ભાજપ પર કર્યા આકરા પ્રહારો
રાજકોટ : કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે ૨૩મી મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે વડાપ્રધાન મોદીની આગળ માજી શબ્દ લાગી જવાનો છે. મોદી સરકારની નોટબંધી, જીએસટી અને કિસાનલક્ષી યોજનાઓ સદંતર નિષ્ફળ નીવડી છે. પાંચ વર્ષના સાશનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે અમારી સરકાર આવ્યે અમે આ પાંચ વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવશું.
કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને ગુજરાત રાજ્યસભાના મેમ્બર અહેમદ પટેલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેઓએ કહ્યું હતું કે મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમા જે રીતે રાજ ચલાવ્યું છે. તેનાથી ખેડૂત,લઘુમતી સમુદાય, આદિવાસી, દલિતો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો, બહેનો તમામ લોકોને કોઈને કોઈ રીતે પરેશાન થવું પડ્યુ છે. સરકારે વર્ષ ૨૦૧૪મા વાયદાઓનો વરસાદ કર્યો પરંતુ તે વાયદા પૂર્ણ કર્યા નથી. પોતે કશું કર્યું નથી અને તેઓ કોંગ્રેસ પાસેથી શુ કર્યું તેનો જવાબ માંગી રહ્યા છે.
ભાજપ એકલા હાથે ૧૫૦ થી ૧૬૦ જેટલી બેઠકો માંડ મેળવી શકશે. જો બીજાનો સાથ મળશે તો પણ ૨૦૦નો આંકડો પાર કરી શકશે નહી. વધુમાં અહેમદ પટેલે કહ્યું કે ભાજપને સૌરાષ્ટ્રમાં ૭ માંથી અંદાજે ૪ જેટલી બેઠકો જ મળવાની છે. વધૂમા તેઓએ ઉમેર્યું કે ભાજપ બેવડી નીતિ અપનાવી રહ્યું છે.
એક તરફ સિદ્ધાંતોની વાત કરે છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસના આગેવાનોને કોઈને કોઈ પ્રકારે લોભ પ્રલોભન આપી અને ડરાવીને પક્ષ પલટો કરાવે છે. હાર્દિકના પર થયેલા હુમલા વિશે તેઓએ કહ્યું કે આ હુમલાને હું વખોડી કાઢું છું. ભાજપ વિરુદ્ધ કોઈ બોલે તો તેના પર હુમલો કરાવવો વ્યાજબી નથી. શાબ્દિક પ્રહરોથી વાત હિંસક હુમલા સુધી પહોંચે તે યોગ્ય નથી.
અહેમદ પટેલે ઉમેર્યું કે ગુજરાતમાં કોંગ્રેસને ૧૦ થી ૧૫ વચ્ચે બેઠક મળશે. કોંગ્રેસે કુલ ૪૦૦ થી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ લોકસભાની ચૂંટણીમા ગત વર્ષ કરતા વધુ સારું પરિણામ મળવાનું છે. જો કે કોંગ્રેસ જરૂર પડે ત્યાં ગઠબંધન તરફ વળી રહ્યું છે. પરંતુ જ્યા સ્થાનિક ઓથોરિટી ના પાડે છે ત્યાં ગઠબંધન કરવામાં આવશે નહિ. છોટુ વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ પર લડવાની ના પાડી હતી. જેથી તેની સાથે જોડાણ શક્ય બન્યું ન હતું.નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ પ્રજા સમક્ષ મુક્યા છે. તેઓએ વિકાસનો મુદ્દો આ વખતે ચાલવાનો નથી. પોતાની નિષ્ફળતા છુપાપવા માટે ગતકડા અજમાવવા યોગ્ય નથી.