ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મંત્રી એ શનિવારે દ્વારકામાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું અને ગુડુ-પોરબંદર વચ્ચે બનનારા રોડનો શિલાન્યાસ કર્યો. આ સમયે તેમણે જીએસટી માં ત્રણ મહિના બાદ કરવામાં આવેલા ફેરફારથી દેશવાસીઓમાં જે ખુશી છવાઇ છે તેનો ઉલ્લેખ કરી દેશવાસીઓનો આભાર માન્યો. દ્વારકામાં દેશની પહેલી મરિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે દ્વારકા દેશને શ્રેષ્ઠ મરિન પોલીસ જવાનો આપશે. ઉપરાંત તેમણે માછીમારો માટે પણ ખાસ યોજનાની જાહેરાત કરી હતી. સમુદ્રમાં રહેલી દ્વારકા નગરીને લોકો નિહાળી શકે એ માટે પણ કેન્દ્ર સરકાર કામ કરી રહી હોવાનું મોદીએ જણાવ્યું હતું.
આ બ્રિજ દ્વારકાની સંસ્કૃતિ સાથે જોડવાની કડી સ્વરૂપ
આજે મેં દ્વારકાનો મૂડ જ કંઇક ઓર જોયો, ચારે તરફ ઉત્સાહ ઉમંગ, નવી ચેતના હું દ્વારકામાં અનુભવી રહ્યો છે. હું દ્વારકાવાસીઓનો હૃદયથી અભિનંદન કરું છું. આજે દ્વારકા નગરીમાં જે કામનો આરંભ થઇ રહ્યો છે, તે માત્ર બેટ દ્વારકા પહોંચવા માટેનો બ્રિજ નથી, ઇંટ-પથ્થર લોંખડથી બનનારી સ્ટ્રક્ચરલ વ્યવસ્થા નથી. આ બ્રિજ દ્વારકાની સંસ્કૃતિ સાથે જોડવાની કડી સ્વરૂપ છે. બેટના લોકોને પાણીના માર્ગથી આવવું જવું પડતું, મજબૂરીમાં જિંદગી વિતાવવી પડતી, કોઇ બીમાર થઇ જાય અને તેને હોસ્પિટલે લઇ જવું પડે અને રાત્રીનો સમય હોય ત્યારે કેવી કઠણાઇ પડતી તે દ્વારકાવાસી જાણે છે.
આઠ વર્ષ પહેલાના અને અત્યારના દ્વારકામાં તફાવત
એક એવી વ્યવસ્થા બેટના નાગરીકો માટે સામાન્ય જરૂરિયાતને પૂરી કરી શકે તેવી વ્યવસ્થા જે બેટ સાથે જોડાયેલા સમુદ્રી તટને મોટા પ્રવાસનની સંભાવનાને બળ આપે. જો એકવાર પ્રવાસી આવે તો દ્વારકાના ચરણોમાં શીશ ઝૂકાવીને જતો રહે તો લાભ નહીં થાય પરંતુ જો રાત્રે રોકાય તો ગરીબોને રોજગાર મળી શકે છે. નિરંતર એક સરકાર પ્રયાસ કરે છે. આઠ વર્ષ પહેલાના દ્વરાકામાં અને અત્યારના દ્વારકામાં બદલાવ આવ્યો છે. એક ખૂણામાં વિકાસ નથી થતો તેને કનેક્ટિવિટી જોઇએ. તે એકબીજા સાથે જોડાયેલો હોવો જોઇએ. ગીર લાયન જોયા પછી પોરબંદર અને દ્વારકા જવા માટે રસ્તા મળી જાય તો પ્રવાસીનું મન લલચાય છે અને તે દ્વારકાના ચરણોમાં આવે તેવી સ્થિતિ પેદા થાય.