બોર્ડ નિગમના ચેરમેન, મહાનગર અને જિલ્લા ભાજપના પ્રમુખ, લોકસભા બેઠકના પ્રભારી તથા વિસ્તારકોને પણ મોદી તાજપોશીમાં ઉપસ્થિત રહેવા અપાયું આમંત્રણ
કેન્દ્રમાં ફરી એક વખત પૂર્ણ બહુમત સાથે ભાજપ પ્રેરીત એનડીએની સરકાર બનવા જઈ રહી છે. આવતીકાલે સાંજે ૭:૦૦ વાગ્યે નરેન્દ્રભાઈ મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે. આ ઐતિહાસિક ક્ષણના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજય સરકારના મંત્રી મંડળના સભ્યો, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને સંગઠનના હોદ્દેદારો સાક્ષી બનશે. પ્રથમ વખત વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં બોર્ડ નિગમના ચેરમેન, મહાનગર અને જિલ્લાના ભાજપના અધ્યક્ષ, લોકસભા બેઠકના પ્રભારી અને વિસ્તારકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આવતીકાલે સાંજે ૭:૦૦ કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્રભાઈ મોદી સતત બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે. આ શપથવિધિ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મંત્રી મંડળના તમામ સભ્યો, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના સંગઠનના તમામ હોદ્દેદારો, ગુજરાતના તમામ સંસદ સભ્ય, બોર્ડ નિગમના ચેરમેન, જિલ્લા અને મહાનગરના ભાજપના અધ્યક્ષ તથા લોકસભા બેઠકના પ્રભારી અને વિસ્તારકોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો મોદીની શપથવિધિના સાક્ષી બનશે.
ધનસુખ ભંડેરી રહેશે મોદીની તાજપોશીમાં હાજર: સાંજે દિલ્હી જવા રવાના
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને રાજકોટ લોકસભા બેઠકના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તાજપોશીમાં હાજર રહેશે. આજે સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. આ ઉપરાંત મોદીની શપથવિધિમાં રાજકોટ ભાજપ અગ્રણી અને કચ્છ બેઠકના વિસ્તારક એવા પ્રતાપભાઈ કોટક અને જૂનાગઢ બેઠકના પ્રભારી રમેશભાઈ રૂપાપરા પણ હાજર રહે તેવી સંભાવના જણાય રહી છે. વડાપ્રધાનના શપથવિધિ સમારોહમાં રાજય સરકારના બોર્ડ નિગમના ચેરમેનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હોય. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનના હોદ્દાની રૂએ ધનસુખભાઈ ભંડેરી આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આજે સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.