ભાજપ મીડિયા સેલના જેમ બને તેમ લોકો સુધી વધુને વધુ મોદીનું સંબોધન પહોંચે તેવા પ્રયાસમાં
વિધાનસભા ચૂંટણીને હવે થોડા સમયની વાર છે. ત્યારે ભારતીય જનતા પક્ષના સ્ટાર પ્રચારકો મેદાને ઉતરી ગયા છે. આગામી સમયમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાતના મતદારો ઉપર કરીશ્મા પાથરવાનો પ્રયાસ કરશે. તેઓ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ૫૦થી વધુ જાહેરસભાઓ સંબોધશે.
સૂત્રોના મત મુજબ વડાપ્રધાન મોદી સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ૫૦થી વધુ જંગી જાહેરસભાઓ સંબોધશે. તેમનો સંપૂર્ણ ચૂંટણી અભિયાન ૧૦ નવેમ્બર બાદ શરૂ થશે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદી ગુજરાતની ૧૦ વખત મુલાકાત લઈ ચૂકયા છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમના ગુજરાત પ્રવાસની સંખ્યા વધતી જશે. ભાજપ અને મોદી માટે ગુજરાતની ચૂંટણી આબરુંનો સવાલ બને છે.
અગાઉ વડાપ્રધાન મોદીની ૧૫ થી ૧૮ રેલીના આયોજનનું પ્લાનીંગ થયું હતું. જો કે, હવે ભાજપે વડાપ્રધાન મોદી ૫૦થી વધુ જાહેરસભા સંબોધે તે માટેની તૈયારી કરી છે. વડાપ્રધાન મોદી લોકોને સંબોધવા ડિજિટલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરશે. ભાજપનું મીડિયા સેલ જેમ બને તેમ લોકો સુધી વધુને વધુ મોદીનું સંબોધન પહોંચે તેવા પ્રયાસ કરી રહી છે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહ ઉપરાંત ભાજપ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ચૂંટણી પ્રચારમાં ઉતારશે. આદિત્યનાથની જાહેરસભાઓ રાજયમાં અનેક સ્થળોએ યોજાશે. હાલ તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ અંગે તૈયારીઓ થઈ રહી છે.