કડોદરા હનુમાન મંદિર મેદાનમાં જાહેર સભાનું આયોજન કરાયું
ગુજરાત વિધાનસભા સભાની ચૂંટણી સંદર્ભે PM મોદીની તા. ૨૭મીએ સુરતના કામરેજમાં સભા યોજાવાની હતી તેના બદલે હવે કડોદરામાં જાહેર સભાનું આયોજન કરાયું છે. સભા સ્થળ બદલવા પાછળ ગ્રાઉન્ડ નાનુ પડતું હોવાથી ફેરફાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે PM નરેન્દ્ર મોદી તા. ૨૭ અને ૨૯ નવેમ્બર બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી રહ્યાં છે.
તા. ૯ ડિસેમ્બરના રોજ ગુજરાતની ૮૯ બેઠકોની યોજાનારી ચૂંટણીના ૪૮થી વધારે મતક્ષેત્રોના મતદારો અને ગુજરાતના નાગરિકોને પીએમ મોદી આઠ જાહેરસભાઓના માધ્યમથી સંબોધન કરશે.
પીએમ નરેન્દ્ર મોદીનો તા. ૨૭ અને ૨૯ નવેમ્બર બે દિવસીય કાર્યક્રમમાં થોડાંક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૨૭મીના રોજ કામરેજ ખાતેના ક્રિકેટ મેદાનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો કે આ ગ્રાઉન્ડ નાનુ પડતું હોવાથી હવે આ સભા કડોદરાના હનુમાન મંદિરના મેદાનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
પીએમ નરેન્દ્ર મોદીના તા. ૨૭ અને ૨૯ નવેમ્બરના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ અત્રે પ્રસ્તુત કરાયો છે. જે મુજબ તા. ૨૭ નવેમ્બરે સવારે નવ કલાકે, ભૂજ (કચ્છ) ખાતે, સવારે ૧૧ કલાકે જસદણ (રાજકોટ) ખાતે, બપોરે એક કલાકે ધારી (અમરેલી) ખાતે, બપોરે ત્રણ કલાકે કામરેજ (સુરત ગ્રામ્ય) વિધાનસભા વિસ્તારમાં જાહેરસભાને સંબોધન કરશે.
જયારે તા. ૨૯મી નવેમ્બરના રોજ સવારે નવ કલાકે મોરબી (રાજકોટ) ખાતે, સવારે ૧૧ કલાકે પ્રાચી(સોમનાથ) ખાતે, બપોરે ૧-૩૦ કલાકે પાલીતાણા (ભાવનગર) ખાતે અને બપોરે ૩-૩૦ કલાકે નવસારી (દક્ષિણ ગુજરાત) વિધાનસભા વિસ્તારમાં જાહેર સભાને સબોધન કરશે.